રાજકોટઃ ગુજરાતમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીઓ અને શિક્ષણ વિભાગને પણ ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કેટલીક યુનિવર્સિટીઓના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે રાજ્ય સરકારની ખેલ-કૂદની યોજના સફળ થતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્રિકેટ, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, ફૂટબોલ, એથલેટિક્સ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, જૂડો મેટ, કુસ્તી મેટ અને ટેબલ ટેનિસ સહિત 12 જેટલી રમતોમાં કોચ જ નથી. આ ઉપરાંત ગ્રાન્ટમાંથી ખરીદેલા રમત-ગમતના સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકીનું મેદાન અને સ્વિમિંગ પૂલ બંને ઇન્ટરનેશનલ કક્ષાના છે, પરંતુ તેમાંથી હોકીનું મેદાન એવું છે કે, જે નિર્માણ પામ્યાને એટલે કે વર્ષ 2017થી અત્યાર સુધી રેગ્યુલર ઉપયોગમાં આવતો નથી. માત્ર ટુર્નામેન્ટ વખતે આ મેદાનનો ઉપયોગ થાય છે. કારણ કે હોકીના કોચ નથી. રાયફલ શૂટિંગની રેન્જ પણ આધુનિક છે, પરંતુ ત્યાં કોચના અભાવે શૂટિંગ રેન્જમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરવા માટે જઈ શકતા નથી. યુનિવર્સિટીમાં બેડમિન્ટનમાં ચિંતન રાવલ, સ્વીમીંગમાં કૃણાલ ટાંક, બાસ્કેટબોલમાં જયેશ બાંભણીયા અને જીમમાં કૌશિક દવે સેવા આપી રહ્યા છે. પરંતુ બાકી ક્રિકેટ, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, ફૂટબોલ, એથલેટિક્સ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, જૂડો મેટ, કુસ્તી મેટ અને ટેબલ ટેનિસ જેવી 12 એવી રમતો છે, જ્યા કોચના અભાવે વિદ્યાર્થીઓ રમી શકતા નથી. અને તેથી મેદાનો વેરાન બનતા જાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકીનું ઇન્ટરનેશનલ કક્ષાનું ટર્ફ ગ્રાઉન્ડ છે. સ્વિમિંગ પુલ પણ ઇન્ટરનેશનલ કક્ષાનો છે, લોન ટેનીસના 4 કોટ પણ ઇન્ટરનેશનલ કક્ષાના છે. બાસ્કેટબોલ કોટ ઉપરાંત ઇન્ડોર સ્ટેડિયમમાં વેઇટલિફ્ટિંગ, પાવર લિફટિંગ, જુડો, કુસ્તી જેવી ગેમ માટેની સુવિધા છે. 400 મીટરનો સ્ટાન્ડર્ડ એથલેટિક્સ ટ્રેક છે અને ક્રિકેટ મેદાન કે જ્યાં રણજી ટ્રોફીના મેચો પણ રમાયેલી છે. હાલ સ્વીમીંગ, બેડમિન્ટન, જીમ અને આ બાસ્કેટબોલ એમ 4 રમતના કોચ છે. બાકીની રમતોમાં કોચ નથી. યુનિના સત્તધાશો કહી રહ્યા છે. કે, જ્યાં સુધી કોઈ ગેમમાં 20થી 25 ખેલાડીઓ ન થાય ત્યાં સુધી કોચની ભરતી કરવી યોગ્ય નહીં ગણાય, પરંતુ હવે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા તમામ મેદાનોનો ઉપયોગ થાય તે માટે આપણે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખેલાડીઓને પણ પ્રેક્ટિસ કરવા માટે આમંત્રિત કરાશે.