જામનગરઃ જિલ્લામાં સારા વરસાદ બાદ ખેડુતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. જિલ્લામાં આ વખતે ખેડુતો કપાસ કરતા મગફળીના વાવેતરને વધુ પસંદ કરી રહ્યા છે. ઓછું પિયત અને ઉંચા ભાવના કારણે ખેડૂતો કપાસના બદલે મગફળીના પાક તરફ વળતા 15 દિવસમાં 1,09,995 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે.
જામનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. જે ખેડુતોને બોર-કૂવામાં પાણી છે, એવા ખેડુતોએ આગોતરૂ વાવેતર કરી દીધુ હતું. છેલ્લા એક પખવાડિયામાં જિલ્લામાં સરેરાશ કરતા 50 ટકાથી વધુ જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં કપાસની માત્ર 79,077 હેકટરમાં વાવણી થઇ છે. અમુક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન વિલંબથી થતાં હજુ ખરીફ પાકનું વાવેતર વધશે. આ ઉપરાંત શાકભાજીના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડાથી ભાવ વધવાની શકયતા નકારી શકાતી નથી. ઘાસચારાના વાવેતર પ્રત્યે પણ ખેડૂતો નીરસ રહેતા આજ સુધીમાં ફકત 683 હેકટરમાં વાવેતર થયું છે.
જામનગર શહેર-જિલ્લામાં દર વર્ષે સામાન્ય રીતે 15 જૂન પછી ખરીફ પાકની વાવણીનો પ્રારંભ થતો હોય છે. આ વખતે જિલ્લામાં 29 જુન સુધી કુલ 188130 હેકટરમાં વાવેતર થયું છે. ખેડૂતો મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર કરે છે. પરંતુ મગફળીમાં ઓછું પિયત અને ભાવ ઉંચા મળતા હોવાથી પખવાડિયામાં સૌથી વધુ 109995 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. જયારે કપાસનું 730077 હેકટરમાં વાવણી થઇ છે. જયારે દિવેલાનું 3771 હેકચરમાં, અને શાકભાજીનું વાવેતર 604 હેકટર અને ઘાસચારાનું 683 હેકટરમાં વાવેતર નોંધાયું છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે જિલ્લાના જામજોધપુર, કાલાવડ, લાલપુર તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વહેલો વરસાદ થતાં વાવણી વહેલી થઇ હતી. તુવેર, એરંડા સહિત અન્ય કઠોળનું વાવેતર મોડું થતું હોય આગામી દિવસોમાં હજુ ખરીફ પાકનું વાવેતર વધશે. ચાલુ વર્ષે જિલ્લામાં સરેરાશ નોર્મલ વાવેતર 364164 માંથી 188130 એટલે કે 50 ટકાથી વધુ જમીનમાં વાવેતર થઇ ચૂકયું છે. ગત વર્ષે 3,48,157 હેકટરમાં વાવેતર થયું હતું, કપાસનું સૌથી વધુ જામનગર જિલ્લામાં વર્ષ-2023માં કુલ 348157 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જેમાં કપાસનું સૌથી વધુ 178154 હેકટરમાં વાવેતરનો સમાવેશ થાય છે. જયારે તુવેરનું 2611, મગનું 1072, અડદનું 1516, મગફળીનું 144676, તલનું 1001, દિવેલાનું 2595, સોયાબીનનું 3736, ગુવારનું 115, શાકભાજીનું 2919, ઘાસચારાનું 9760 હેકટરમાં વાવેતર થયું હતું.