કોડીનારમાં દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં રૂ. 6 કરોડનું ચરસ ઝડપાયું
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો મળી આવવાનો સીલસીલો ચાલી રહ્યો છે. દરમિયાન કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં રૂ. છ કરોડની કિંમતના ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં આ અફઘાની ચરસ હોવાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર છારા ગામના દરિયાકાંઠે મોડી રાતના એક પેકેટ શંકાસ્પદ હાલતમાં તણાઈને આવ્યું હતું. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ પેકેટમાં ચરસનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત રૂ. 6 કરોડ હોવાનું જાણવા મળે છે. જેથી પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધીને તપાસ આરંભી છે. એફ્.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફ્ઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસ નો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.