નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અર્થે રવાના થયા હતા. આ પ્રવાસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું 22મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું અને આગામી ત્રણ દિવસમાં ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની મારી સૌપ્રથમ મુલાકાત લઉં છું. ભારત અને રશિયા વચ્ચે છેલ્લાં 10 વર્ષમાં વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ થઈ છે, જેમાં ઊર્જા, સુરક્ષા, વેપાર, રોકાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પ્રવાસન અને લોકો વચ્ચેનાં આદાન-પ્રદાનનાં ક્ષેત્રો સામેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરવા અને વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્રષ્ટિકોણ વહેંચવા આતુર છું. અમે શાંતિપૂર્ણ અને સ્થિર ક્ષેત્ર માટે સહાયક ભૂમિકા ભજવવા માંગીએ છીએ. આ મુલાકાતથી મને રશિયામાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયને મળવાની તક પણ મળશે. ઑસ્ટ્રિયામાં મને રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન અને ચાન્સેલર કાર્લ નેહમરને મળવાની તક મળશે. ઑસ્ટ્રિયા એ અમારો અડગ અને વિશ્વસનીય ભાગીદાર છે અને અમે લોકશાહી અને બહુવચનવાદના આદર્શો વહેંચીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત છે. હું નવીનતા, પ્રૌદ્યોગિકી અને સ્થાયી વિકાસના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં આપણી ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે મારી ચર્ચાઓ માટે આતુર છું. ઑસ્ટ્રિયાના ચાન્સેલર સાથે સંયુક્તપણે હું પારસ્પરિક લાભદાયક વેપાર અને રોકાણની તકો ચકાસવા માટે બંને પક્ષોના વ્યાવસાયિક અગ્રણીઓ સાથે અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવા આતુર છું. હું ઑસ્ટ્રિયામાં વસતા ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરીશ, જેમને તેમની વ્યાવસાયિકતા અને આચરણ માટે ખૂબ જ માન આપવામાં આવે છે.