જૈનોના યાત્રાધામ પાલિતાણામાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરથી લોકો પરેશાન
પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણાની મુખ્ય બજારમાં દબાણો ખડકાયેલા છે. ઉપરાત રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસતા હોવાથી નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. શહેરની નગરપાલિકાના સત્તાધિશો રખડતા ઢોર પકડવા અને રોડ પરના દબાણો દુર કરવામાં નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. જાહેર રોડ પર રખડતા ઢોરના અડિંગાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.
પાલીતાણા શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધતા શહેરીજનો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અવારનવાર નગરપાલિકાના સત્તાધિશોને આ બાબતે લેખિત મૌખિક જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ જ પગલા ભરાતા નથી. શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ, જાહેર માર્ગો, ખાંચા ગલીઓમાં સવાર સાંજ રખડતા ઢોરોના ઝુંડ આવી જઈને ટ્રાફિકની સમસ્યા ઊભી કરી રહ્યા છે, શહેરની મુખ્ય બજારમાં રખડતા ઢોર વચ્ચે બેસીને ટ્રાફિકજામ કરી રહ્યા છે. માત્ર દિવસે જ નહી રાત્રિના સમયે પણ જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરો અડિંગો જમાવી દે છે. આથી શેરી મોહલ્લા, સોસાયટીઓમાં જવાનું ભારે અગવડ રૂપ બની રહ્યુ છે, શહેરમાં રાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાના કારણે રાહદારીઓ રખડતા ઢોરનો ભોગ બને છે, તેમજ આખલા યુદ્ધના બનાવો પણ રોજિંદા થઈ ગયા છે. નાના બાળકો અને વૃદ્ધો રખડતા પશુઓના કારણે બહાર નીકળી શકતા નથી.
પાલિતાણા નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરની નગરપાલિકા પાસે રખડતા ઢોરને પકડવા માટે ટીમ છે, પરંતુ પકડેલા ઢોર ક્યાં રાખવા તે મોટો પ્રશ્ન છે. કારણ કે, પકડાયેલા ઢોર ગૌ શાળામાં મુકવા માટે જઈએ તો ગૌ શાળા રખડતા ઢોરને રાખવા તૈયાર થતી નથી. (File photo)