અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ છતાયે મેઘરાજા મન મુકીને વરસાતા નથી. આજે મંગળવારે સવારથી બપોરના 4 વાગ્યા સુધી 45 તાલુકામાં બે ઈંચથી લઈને વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં રાજકોટના ધોરાજીમાં બે ઈંચથી વધુ તથા ખેડાના માતરમાં બે ઈંચ, તેમજ તારાપુર, મહેમદાવાદ, નડિયાદ, ઓલપાડ, ખેડા, વસો, તેમજ ભાવનગરના તળાજામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ અને જુનાગઢ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. રાજ્ય હવામાન વિભાગે 14 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની ભારે આગાહી કરી છે, જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાંક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ અસહ્ય બફારો જોતા વરસાદ તૂટી પડશે એવું લાગી રહ્યું છે. આજે સવારથી સૂર્ય નારાયણના દર્શન થઈ શક્યા નથી. ત્યારે રાજ્યના હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મંગળવારે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાતિંજમાં 4 ઈંચ, તલોદમાં બે ઈંચ, તથા રાજકોટના લોધિકામાં એક ઈંચ અને બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. સુરતના વરાછાથી સ્ટેશન તરફ જવાનો આ સૌથી વ્યસ્ત માર્ગ છે. રોજના લાખોની સંખ્યામાં વાહનોની અવરજવર અહીં જોવા મળતી હોય છે. ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાના દ્રશ્યો તો સામે આવતા રહે છે, પરંતુ ભૂવા પડવાની ઘટના પણ હવે વધી રહી છે. સૂર્યપુર ગરનાળાની નજીક જ ભૂવો પડવાને કારણે સવારે વરાછા વિસ્તારથી સ્ટેશન તરફ જવા માટે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. ભૂવાને લીધે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઇ હતી. ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા તત્કાળ ટ્રાફિક નિયમન કરવા માટેની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી.