ગાંધીનગરઃ રાજ્યપાલ અને દેશ-વિદેશમાં પ્રાકૃતિક ખેતીના પ્રબળ પ્રચારક આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી આજના સમયની અનિવાર જરૂરિયાત છે, કારણ કે પ્રાકૃતિક ખેતીથી જ આપણે પાણી, જંગલ, જમીન અને જીવને બચાવી શકીશું. તેમણે કહ્યું કે રાસાયણિક ખેતીને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભૂમિગત જળસ્તર સતત ઘટી રહ્યું છે અને જમીન પણ બંજર બની રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હરિયાણામાં ગુરુકુલ કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પહેલવાન પદ્મશ્રી યોગેશ્વર દત્તના નેતૃત્વમાં પધારેલા 70 થી વધુ મહાનુભાવોના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા, જેમાં 23 પ્રખ્યાત ખેલાડીઓ ઉપરાંત વિવિધ ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ અને ખેડૂતમિત્રો સામેલ હતા. ખેલાડીઓમાં ઓલિમ્પિક મેડલિસ્ટ, દ્રોણાચાર્ય એવોર્ડી, ધ્યાનચંદ એવોર્ડી, અર્જુન એવોર્ડી, ભારત કેસરી, હિંદ કેસરી, એશિયન અને રાષ્ટ્રમંડળ રમતોના મેડલ વિજેતાઓ પણ સામેલ હતા.
આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયના ગોબર અને ગોમૂત્રથી 30 એકર જમીન પર ખેતી કરી શકાય છે અને ખેડૂતને કોઈપણ પ્રકારના પેસ્ટીસાઇડ, યુરિયા, ડીએપી વગેરે ખેતરમાં નાખવાની જરૂર પડતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘણા લોકોને ભ્રમ છે કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી એક જ છે પરંતુ તે બંને એકબીજાથી સંપૂર્ણ વિપરીત છે. તેમણે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશમાં તેમના પ્રયત્નોથી 3 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, તેવી જ રીતે ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સારું ઉત્પાદન લઈ રહ્યા છે.
પહેલવાન યોગેશ્વર દત્તે કહ્યું કે, હરિયાણાના મોટાભાગના ખેલાડીઓ ખેડૂત પરિવારોમાંથી આવે છે, જે પોતાના માટે તો અનાજ ઉગાડે છે જ, દેશના અન્ય વિસ્તારોમાં પણ ઘઉં, ધાન વગેરે સપ્લાય કરે છે. આવામાં બધા ખેલાડીઓ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી મિશનને ગતિ આપવાનો કાર્ય કરશે. તેમણે હરિયાણા સહિત દેશના તમામ ખેલાડીઓને આહ્વાન કર્યું કે, તેઓ પોતાના પરિવાર, ગામ અને વિસ્તારમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરે. જે મિત્રો જમીનસ્તર પર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર નહીં કરી શકે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી મિશનને વધુમાં વધુ પ્રસારીત કરે જેથી કરીને ખેતી, બંજર બનતી જમીન અને પ્રદૂષિત થતા જળ અને પર્યાવરણને બચાવી શકાય.