અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક લકઝરી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત
અમદાવાદઃ ગુજરાતના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક આજે વહેલી સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આઠ જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માતનો ભોગ બનેલી લકઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક લકઝરી બસનું ટાયર ફાટતાં બસ રોડ સાઈડ પર ઊભી હતી. અને ડ્રાઈવર, ક્લિનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઊતરીને રોડ સાઈડના ડિવાઈડર પર બેઠા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 8 પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક આજે વહેલી સવારે પૂરફાટ ઝડપે આવેલી ટ્રક રોડ સાઈડ પર ઊભેલી બસ સાથે અથડાઈ હતી. જેથી બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. બસ નીચે કચડાઈ જવાથી 6 લોકોના મોત થયા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાઇ વે પર અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને આણંદની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.