ગાંધીનગરમાં રાજભવન પરિવાર દ્વારા લેડી ગવર્નરના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ગાંધીનગરઃ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસે આજે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ દરમિયાન 605 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાન કરનારા રક્તદાતાઓને સંબોધતાં કહ્યું કે, પરિવારમાં જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગોએ પરિવારજનો દ્વારા સમાજોપયોગી કાર્યો થાય એ પ્રેરણાદાયી છે. રક્ત કૃત્રિમ રીતે ફેક્ટરીમાં બનાવી શકાતું નથી, રક્તદાનથી જ એક માનવી અન્ય માનવની અમૂલ્ય મદદ કરી શકે છે.
લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રાજભવનમાં આયોજિત રક્તદાન કેમ્પ દરમિયાન ભારતીય વાયુસેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, એનસીસી અને એનએસએસના સ્ટુડન્ટ્સ, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, મેડિકલ સ્ટુડન્ટ્સ અને અન્ય સ્વેચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
રાજભવનના મેડિકલ ઑફિસર ડૉ. શશાંક સિમ્પીએ રાજભવન પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પના આયોજનમાં સહયોગ આપનાર સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અને રેડક્રોસ સોસાયટી, અમદાવાદના તમામ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. તેમણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને લાયન્સ ક્લબ ઑફ અમદાવાદ હોસ્ટનો પણ વિશેષ સહયોગ માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, 605 યુનિટ રક્તથી 1,815 વ્યક્તિઓને મદદ પહોંચાડી શકાય છે