જમ્મુ-કાશ્મીરઃ આતંકીઓ સાથે અથડામણમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ
નવી દિલ્હીઃ કોટી ગામના શિયા ધાર ચૌંડ માતાના જંગલ વિસ્તારમાં સાંજે એન્કાઉન્ટર થયું હતું.નિયંત્રણ રેખા પાસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ડોડામાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા છે.જમ્મુ વિભાગના ડોડાથી 300 કિમી દૂર કોટી ગામના શિયા ધાર ચૌંડ માતાના જંગલ વિસ્તારમાં ગઈકાલે સાંજે આ એન્કાઉન્ટર થયું હતું.સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. વધારાના સુરક્ષા દળોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સાંજે લગભગ 7:45 વાગ્યે જંગલ વિસ્તારમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર રાતોરાત એક પોસ્ટમાં લખ્યું હતું કે, “ચોક્કસ બાતમીના આધારે, ડોડાના ઉત્તરમાં સામાન્ય વિસ્તારમાં આર્મી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું.” રાત્રે લગભગ 9 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો, ત્યારબાદ ભારે ગોળીબાર થયો. આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે.
નોંધનીય છે કે 24 કલાક પહેલા ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. અંકુશ રેખા પાસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. સતર્ક પોલીસ અને સેનાના જવાનોએ તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા.