મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત
મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર તીર્થયાત્રીઓને લઈ જતી બસ ટ્રેક્ટર સાથે અથડાતાં પાંચના મોતની આશંકા સેવાઈ રહી છે જ્યારે 42 વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે બસમાં 54 ‘વારકારીઓ’ (ભગવાન વિઠ્ઠલના ભક્તો) હતા જેઓ અષાઢી એકાદશીની ઉજવણીમાં ભાગ લેવા માટે મુંબઈ નજીક થાણે જિલ્લામાં તેમના વતન ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહ્યા હતા.
નવી મુંબઈમાં પનવેલ નજીક અડધી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો જ્યારે એક્સપ્રેસ વે પર એક ઝડપી બસે ટ્રેક્ટરને ટક્કર મારી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિવેક પાનસરેએ જણાવ્યું કે, બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ અને ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહેલા બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બસ એક્સપ્રેસ વે પરના ડિવાઈડર સાથે અથડાઈ અને 20 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
તેમણે કહ્યું કે, ઘાયલ તીર્થયાત્રીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી સાતની હાલત ગંભીર છે. બુધવારે અષાઢી એકાદશીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે લાખો વારકારીઓ પંઢરપુરની યાત્રા કરે છે જ્યાં તેઓ અષાઢી એકાદશીના અવસરે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી ભેગા થાય છે.