નવી દિલ્હીઃ દેશ આજે માળખાકીય સેવામાં ખુબ પ્રગતિ સાધી રહ્યો છે. વિશ્વકક્ષાના એરપોર્ટ, એક્સપ્રેસ હાઇવે, નેશનલ હાઇવે, આધુનિક ટ્રેન અને બસ સુવિધા સહિત જનસુખાકારીનાં કાર્યો દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આ બધાની વચ્ચે સરકારે ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે પણ આગામી ૨૫ વર્ષનું આયોજન કર્યું છે, વર્ષ 2047 સુધીમાં ભારત તેના એરપોર્ટની સંખ્યા બમણી કરશે. એટલે કે હાલ જે સંખ્યા 138 છે તે વધારીને 300 કરશે. એક સમય હતો કે જયારે વિમાનમાં બેસવાની કલ્પના માત્ર અમીરો કરી શકતા. દેશમાં વિમાનનો ઉપયોગ માત્ર ધનિક લોકો કરતા. રાજકારણીઓ કે પછી ખાનગી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકો જ તેનો ઉપયોગ કરતા. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના સેલીબ્રીટીઓ મુસાફરી માટે વિમાનનો ઉપયોગ કરતા. આટલા મોટા દેશમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા ચેન્નાઈ, હૈદરાબાદ કે અમદાવાદ જેવા ગણ્યાગાંઠ્યા એરપોર્ટ જ હતા. કે જ્યાં મુસાફરોની અવરજવર જોવા મળતી. નાના ડોમેસ્ટિક સેવા પૂરી પાડે ત્યાં તો ગણીને દિવસની એક કે બે ફ્લાઈટ ઉડતી. પરંતુ હવે વિમાનની પહોંચ અમીરોથી લઈને આમ આદમી સુધી આગળ વધી છે. મધ્યમ વર્ગનો માનવી પણ વર્ષે એકાદ વાર પર્યટન હેતુ સપરિવાર અમીરોના કહેવાતા વાહનમાં ઉડી રહ્યો છે. આમ લોકોની આવક વધી છે. લોકો વિમાન માધ્યમથી એકબીજા શહેરોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. પર્યટન ક્ષેત્રનો વિકાસ થવાથી ઉપરાંત ધાર્મિક પ્રવાસન સ્થળોને વેગ મળવાથી વિમાની મુસાફરી વધી છે. આજે વારાણસી અને અયોધ્યા વિમાનમાં જવા માટે ખુબ ધસારો જોવા મળે છે. આ ઉપરાંત દેશમાં જુદાજુદા સ્થળોની મુલાકાત લેવા પર્યટન હેતુથી પણ મુસાફરો ડોમેસ્ટિક ફ્લાઈટનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. ધાર્મિક સ્થળોએ પણ જવા આવવા વિમાની સેવાનો ઉપયોગ વધ્યો છે. UDAN મતલબ કે ‘ઉડે દેશ કા આમ નાગરિક’ યોજના હેઠળ પણ લાખો મુસાફરો પોસાય તેવા દરે વિમાની સેવાનો લાભ મેળવી રહ્યા છે.
હાલ ૧૪૦ કરોડની દેશની વસતી સામે માત્ર 138 એરપોર્ટ છે. કેટલાક પેકેજ ટુર ઓપરેટર ખુબ મોટી સખ્યામાં સસ્તા દરે કે પછી વ્યાજબી ભાવે ટીકીટ ખરીદી તેમના પ્રવાસીઓને આકર્ષે છે. ભારતમાંથી વિદેશ જવાવાળાઓની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, પછી તે સ્ટુડન્ટ વિઝા પર જનાર હોય કે વિદેશમાં તેમના સંતાનોને મળવા જતા પેરેન્ટ્સ હોય. વિદેશમાં વસતા ભારતીયો પણ લગભગ દર વર્ષે એકવાર ભારત પોતાના વતનની માટીની સુગંધ લેવા અચૂક આવે છે..તમામ સગાસંબંધીને મળી નવી તાજગી સાથે તેઓ વિદેશ પાછા જાય છે. આ ઉપરાંત વિશ્વના કોઈપણ ખૂણે જવા વિમાની કંપનીઓ કનેક્ટ ફ્લાઈટ સહિતની સગવડ પૂરી પડે છે. ભારતમાં અનેક એરલાઇન્સ ટીકીટમાં ચોક્કસ પીરીયડમાં હેવી ડિસ્કાઉન્ટ આપી ગ્રાહકોને જાળવી રાખવા પ્રયાસ કરે છે. ત્યારે વિમાનોને ટેક ઓફ અને લેન્ડીંગ કરવા એરપોર્ટ કે હવાઈ પટ્ટી એટલે કે એર સ્ટ્રીપની પણ જરૂર પડે છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એરપોર્ટની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે, જે અનુસાર વર્ષ 2047 સુધીમાં ભારતમાં એરપોર્ટની સંખ્યા 300 થાય જશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના અનુસાર, ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં તેના એરપોર્ટની સંખ્યા બમણાથી વધુ વધીને 300 કરવાનું છે, તે સમયે મુસાફરોની સંખ્યા અત્યારની સરખામણીએ આઠ ગણી વધી શકે છે. હવાઈ સેવાના આ વિસ્તરણમાં હાલની હવાઈ પટ્ટીઓને સંપૂર્ણપણે કાર્યરત એરપોર્ટ્સમાં અપગ્રેડ કરવામાં આવશે આ ઉપરાં નવી હવાઈપટ્ટીઓનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે.
ડ્રાફ્ટ પ્લાન અનુસાર, આશરે 70 હવાઇ પટ્ટીઓ એવી છે કે જ્યાં નેરો વિમાનો ઉડી શકે તે મુજબ હવાઈ પટ્ટીને પરિવર્તિત કરી શકાય તેમ છે. તો કેટલાક એરપોર્ટ એવા છે કે થોડાઘણા ફેરફાર કરવાથી એરબસ A320 અને બોઇંગ 737 જેવા વિમાનો પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. 40 હવાઈ પટ્ટીઓ એવી છે કે જેને અપગ્રેડ કરીને નાના વિમાનોને ઉતારી કે લેન્ડીંગ કરી શકાય છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અનુસાર એવા વિસ્તારો કે જ્યાં એરસ્ટ્રીપ વિકસાવી શકાતી નથી, અથવા 50 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ એરપોર્ટ અસ્તિત્વમાં નથી, ત્યાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ અંગે વિચારણા કરવામાં આવશે. હાલ ભારતમાં 138 કાર્યરત એરપોર્ટ છે. એએઆઈ દ્વારા આગામી સમયમાં વાર્ષિક મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે, જે વર્ષ 2047 સુધીમાં 300 કરોડ થી 350 કરોડ વાર્ષિક મુસાફરો સુધી પહોચી જશે. આપને જણાવવાનું કે હાલ ભારતમાં વર્ષે 37 કરોડથી વધુ લોકો વિમાની મુસાફરી કરે છે,
નવા એરપોર્ટના આયોજનમાં ગુજરાતના કચ્છમાં આવેલું માંડવી, ઉત્તર પ્રદેશનું સુલતાનપુર, મેઘાલયનું તુરા અને મધ્યપ્રદેશનું છિંદવાડા શહેરમાં સ્થિત હવાઈ પટ્ટીઓને નાના વિમાનના સંચાલન માટે અનુકૂળ એરપોર્ટમાં પરિવર્તિત કરી શકાય તેમ છે. આ ઉપરાંત કોટા (રાજસ્થાન), પરાંદુર (તમિલનાડુ), કોટ્ટાયમ (કેરળ), પુરી (ઓડિશા), પુરંદર (મહારાષ્ટ્ર) તેમજ આંદામાન અને નિકોબારમાં કારનિકોબાર અને મિનિકોય ટાપુઓમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વૈશ્વિક એર ટ્રાફિક માર્કેટમાં એએઆઈ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક મૂલ્યાંકનમાં અમેરિકા અને ચીનમાં એરપોર્ટ કનેક્ટિવિટીની સ્થિતિની તપાસ પણ કરવામાં આવી હતી, જે બંને દેશોની ગણના હવાઈ મુસાફરીના મોટા બજાર તરીકે થાય છે. વધતી આવક સાથે હવાઈ મુસાફરીનું ચલણ પણ વધ્યું છે. સરેરાશ ટ્રીપની વાત કરીએ તો 2019 માં, ચીને વાર્ષિક સરેરાશ વ્યક્તિ દીઠ 0.47 ટ્રિપ્સ કરી હતી, તે સમયે ચીનની માથાદીઠ આવક 10,144 ડોલર હતી, જ્યારે અમેરિકાએ વાર્ષિક વ્યક્તિ દીઠ 1.2 થી 1.3 ટ્રિપ્સ કરી હતી, અને ત્યાં માથાદીઠ આવક 20,000 ડોલર હતી. ભારતમાં 2047માં નાગરિકોની વાર્ષિક માથાદીઠ આવક 18,000 થી 20,000 ડોલરનો અંદાજ છે અને ત્યારે ભારત દર વર્ષે વ્યક્તિ દીઠ સરેરાશ એક મુસાફરી હાંસલ કરવાનો અંદાજ છે. અને ત્યારે દેશમાં વાર્ષિક 300 કરોડથી વધુ મુસાફરોને સમાવી લેશે. આમ આગામી ૨૫ વર્ષોમાં ભારત ઉડ્ડયન ક્ષેત્રે પણ અમેરિકા કે ચીનને હંફાવવા સક્ષમ થશે અને દેશના કરોડો લોકો હજારો માઈલની મુસાફરીને ગણતરીના કલાકોમાં પર કરી શકશે.