ઓમાનમાં મસ્જિદમાં ગોળીબારની ઘટનામાં એક ભારતીય સહિત છના મોત
મસ્કતઃ ઓમાનની રાજધાની મસ્કતમાં શિયા મસ્જિદ પાસે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયેલા છ લોકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. રાત્રે ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં એક પોલીસ કર્મચારી અને ચાર પાકિસ્તાની નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો જ્યારે 28 અન્ય ઘાયલ થયા હતા. મસ્કતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અન્ય લોકો ઘાયલ છે.” તેમાં કહેવામાં આવ્યું છે કે, ”દૂતાવાસ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને તેમને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.”
સુત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે અલ-વાડી અલ-કબીર વિસ્તારમાં બનેલી ઘટના દરમિયાન સુરક્ષા દળોએ 3 હુમલાખોરોને પણ ઠાર માર્યા હતા. પાકિસ્તાને જણાવ્યું હતું કે ઇમામ અલી મસ્જિદ પરના ‘આતંકવાદી હુમલા’માં માર્યા ગયેલા લોકોમાં 4 પાકિસ્તાનીઓનો સમાવેશ થાય છે. ભારતે એમ પણ કહ્યું છે કે હુમલામાં તેના એક નાગરિકનું મોત થયું છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. ઇસ્લામિક સ્ટેટે ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોમાં શિયાઓના મેળાવડા, સરઘસો અને અનુયાયીઓ પર વારંવાર હુમલા કર્યા છે. પરંતુ તેણે ઓમાનમાં આવો હુમલો ક્યારેય કર્યો ન હતો જ્યાં શિયા લઘુમતી સમુદાય છે.