અમદાવાદની વિવેકાનંદ કોલેજને મ્યુનિ.એ ફાયરના મુદ્દે સીલ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદઃ શહેરમાં રાયપુર દરવાજા સામે આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ કેમ્પસ વર્ષો જુનુ છે, આ બિલ્ડીંગમાં યુજી-પીજીની ઘણા કોર્ષ ચલાલવામાં આવી રહ્યા છે. શહેરની મધ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના દીકરા-દીકરીઓ માટે આ કોલેજ આશીર્વાદરૂપ છે. કોલેજમાં ઘણાબધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કોલેજ બિલ્ડીંગને બીયુ,ફાયર સહિતના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એએમસી દ્વારા વિવેકાનંદ કોલેજ બિલ્ડિંગને સીલ કરાતા કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.
શહેરના રાયપુર દરવાજા નજીક આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગમાં આર્ટસ, કોમર્સ, બી.એડ અને લૉ સહિતની ફેકલ્ટીમાં યુજી-પીજીની કોલેજો ચાલે છે અને પૂર્વના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ મહત્વની ગણવામા આવે છે. રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાયર-બીયુ સહિતના મુદ્દે વિવિધ બિલ્ડીંગો-એકમોને સીલ કરવાની પ્રક્રિયામાં વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગને પણ સીલ કરવામા આવ્યું છે. જેથી હાલ વિવિધ કોર્સમાં વિવિધ વર્ષમાં ભણતા સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજના સંચાલકોએ મ્યુનિ. કોર્પોરેશન પર ખોટી રીતે બિલ્ડિંગ સીલ કરાયું હોવાના આક્ષેપો કર્યા છે. વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપલે જણાવ્યું હતું કે, કોલેજ પાસે બીયુ પરમિશન હોવા છતાં એએમસી દ્વારા બિલ્ડિંગ ખોટી રીતે સીલ કરવામાં આવ્યું છે, તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ બિલ્ડીંગની નીચે ફુટપાથ રોડ પર વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કાર્ય કરાવી તંત્રની સહાનુભૂતિ પણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ કોલેજ બિલ્ડીંગ બંધ હોવાથી પ્રવેશ સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હોઈ બિલ્ડિંગની નીચેની એક દુકાનમાંથી તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ બીયુ, ફાયર, સહિતના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન મંજૂરી તેમજ સુવિધા ન ધરાવતા બિલ્ડિંગ સીલ કરી રહી છે.