સૌરાષ્ટ્ર યુનિની કોલેજોમાં બીએડની 4580 બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં 4000 બેઠકો ખાલી રહી
રાજકોટઃ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં એક સમયે બી એડમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ક્રેઝ જોવા મળતો હતો. બીઍડની ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની નોકરીઓ પણ મળી જતી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી થતી નથી. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો પણ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યો છે. આમ જોબ તક ઘટવાને લીધે હવે બીએડના વળતા પાણી શરૂ થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં બીએડની 4580 બેઠકોમાંથી માત્ર 580 બેઠકો ભરાતા હવે 4000 બેઠકો ખાલી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અંદાજે 59 બીઍડ કોલેજોમાં આ વર્ષે ભરવાપાત્ર 4580 બેઠકોમાંથી 4000 બેઠકો ખાલી રહી છે. પ્રવેશના પ્રથમ રાઉન્ડનાં એડમિશન દરમિયાન માત્ર 580 વિદ્યાર્થીએ એડમિશન કન્ફર્મ કરાવ્યા હતા. લાંબા સમયથી શાળામાં શિક્ષકોની ભરતી થતી નહીં હોવાને લીધે તેમજ ટેટ-ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ મામુલી ફિક્સ પગારમાં નોકરી કરાવવાની સરકારી નીતિને લીધે બીઍડના અભ્યાસમાંથી વિદ્યાર્થીઓને રસ ઉડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન જીકાસમાં ફોર્મ ભરવામાં ભૂલ કરતા 150 જેટલાં વિદ્યાર્થીઓના એડમીશન રદ થયા બાદ સુધારો સૂચવવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી,ઍડ એડમીશન કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેટ-ટાટની ભરતી વચ્ચે બંધ થઈ જતાં અને સામે બી.ઍડ કોલેજોની સંખ્યા વધી જતા હાલ બી.ઍડમાં સીટો ખાલી રહી છે. આ વખતે પ્રથમ રાઉન્ડના અંતે 4000 સીટ ખાલી રહી છે. તો 580 જેટલી સીટ ભરાઈ છે. જ્યારે વિદ્યાર્થીઓના એડમીશન રદ થવા મામલે જણાવ્યું હતું કે, બી.ઍડમાં 5માં અને 6ઠ્ઠા સેમેસ્ટરના બાહ્ય પરીક્ષાના માર્કસની ટકાવારી ગણવાની હોય છે. જોકે GCASમાં તમામ સેમેસ્ટરના માર્ક્સ ગણી તેની ટકાવારી માંગવામાં આવી હોવાથી ફોર્મ ભરવામાં ભૂલ કરી હતી અને તેમાં તમામ સેમેસ્ટરની ટકાવારી નાખતા 150 જેટલા વિદ્યાર્થીઓને ફોર્મમાં સુધારા કરવા માટેનો આદેશ આપ્યો હતો.