અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના જગતપુરમાં શ્રમિકો માટે આવાસનું ખાતમુહૂર્ત કર્યુ હતું તેમજ શ્રમિકો માટે બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે શ્રમિકો માટે હંગામી આવાસ બનાવાશે અને પ્રતિદિન 5 રૂપિયામાં શ્રમિકોને આશ્રય અપાશે.
શ્રમિક બસેરા યોજનાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો. 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામા આવશે. આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. શ્રમિકો માટે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં 15000 હંગામી આવાસ બનાવાવામાં આવશે.
બાંધકામ શ્રમિકોને તેઓના કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ટ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના સસ્તા ભાડાના કામચલાઉ આવાસો મળી રહે તથા બાંધકામ શ્રમયોગીઓની જીવનસ્તરમાં વધારો થાય તે હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફતે મહાનગરપાલિકા/નગરપાલિકા/અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટી / નોટીફાઈડ એરિયા / ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન/GIDC તથા તેના જેવા અન્ય સત્તામંડળો દ્વારા બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની કામચલાઉ સુવિધા પૂરી પાડવા શ્રમિક બસેરા યોજના- તા.01.09.2023ના ઠરાવથી સરકારની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકો તથા તેમના કુટુંબીજનોને પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન રૂ.5/- માં હંગામી ધોરણે આવાસ ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તથા વડોદરામાં કુલ 17 સાઈટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શ્રમિક બસેરા યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ટ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના પ્રીફેબ્રિકેટેડ આવાસો ફક્ત 5 રૂપિયાના ટોકન દરે પ્રતિદિન પ્રતિશ્રમિક આપવામાં આવશે. આ સમગ્ર યોજનાના પારદર્શી વહીવટ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનુ પણ સાથેસાથે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરવામાં આવશે.