સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે 11 ગામોમાં અંધારપટ, 12 TC ડેમેજ થતાં PGVCLએ કામગીરી હાથ ધરી
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વરસાદને લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ પોલ ડેમેજ થવા સહિતની ઘટનાઓ બની છે. પીજીવીસીએલને મળેલી ફરિયાદો મુજબ 107 વીજ પોલ ડેમેજ થયા છે, ઉપરાંત 11 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ સાથે જ અમૂક ટીસી પણ ડેમેજ થતાં મરામરતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ યાને PGVCLના સૂત્રોના જણાવ્યા સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે 59 ફીડર બંધ થઈ ગયા હતા. જ્યારે 11 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત 107 પોલ ડેમેજ થઈ જતાં વીજ પુરવઠો રિસ્ટોર કરવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. ઉપરાંત 12 ટીસી ડેમેજ થઈ ગયા હતા. જેને રીપેરીંગની કામગીરી કરવામા આવી રહી છે. વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોએ મુશ્કેલી ભોગવી હતી. અંધારામાં કલાકો સુધી લોકોએ બફારાનો સામનો કર્યો હતો અને તેને કારણે PGVCL માં વીજ પુરવઠો ખોરવાઇ જવાની ફરિયાદોના કોલ રણકતા રહ્યાં હતા.
રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્યની સાથે મોરબી, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભુજ, અંજાર, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે વીજ પોલમાં ખામી સર્જાઈ હતી અને જેને કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેથી PGVCL ની ટીમ પણ અલગ વિસ્તારોમાં રીપેરીંગ માટે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ વીજ પુરવઠો પુનઃ પૂર્વવત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પણ આ વિસ્તારોમાં પાણી ઉતર્યા બાદ મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે.