રાજકોટમાં લોકમેળો મહાલવો મોંઘો પડશે, સ્ટોલ, વિવિધ પ્લોટ્સ અને રાઈડ્સના ભાડામાં વધારો
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. 5 દિવસના આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તેથી રાજકોટના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા વિવિધ પ્લોટ્સ અને સ્ટોલના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે લોકોને લોકમેળો માહલવો મોંઘો પડશે.
રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવારો પર રેસકોર્સ મેદાનમાં તા.24થી 28 ઓગસ્ટ સુધી 5 દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ સ્ટોલ-પ્લોટ મેળવવા માટેના અરજી ફોર્મનું વિતરણ આજે શુક્રવારથી શરૂ કરવામાં આવ્યું છે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટધારકોએ રૂ.50ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. જેમાં નાની રાઇડઝના રૂ. 35 તો નવી રાઇડ્ઝના રૂ. 45 લેવામાં આવશે. રાઇડ્ઝમાં રૂ. 5-5 તો સ્ટોલના ભાવમાં 10 ટકા જેટલો વધારો કરાયો છે. આ અંગે લોકમેળા અમલીકરણ સમિતિ તથા રાજકોટ શહેર-1 નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્ટોલ-પ્લોટ માટેના અરજીપત્રક કિંમત રૂ.200 છે. તા.19 થી 24 જુલાઈ સુધી સવારે 11 થી સાંજે 4 કલાક દરમિયાન અરજીપત્રક (1) ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તેમજ (2) નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જૂની કલેક્ટર કચેરી, રાજકોટ ખાતેથી મેળવી શકાશે. ભરેલા અરજી ફોર્મ તા.19 થી 24 જુલાઈ દરમિયાન ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે નિયત સમયમાં, નિયત અરજી ફોર્મમાં બતાવેલી રકમના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે સ્વીકારવામાં આવશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે. એ સિવાયની અરજી સ્વીકારવામાં નહીં આવે. જૂદી-જૂદી કેટેગરીની બેઠી કિંમતની પૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને કુલ રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટ “અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ”ના નામનો સાથે રાખીને ફોર્મ આપવાનું રહેશે. યાંત્રિક કેટેગરીમાં જે આસામીઓએ ફોર્મ ભરેલા હશે તે બધી યાંત્રિક કેટેગરીઓ ઈ-એફ-જી-એચની હરાજીમાં ભાગ લઈ શકશે. હરાજીવાળી કેટેગરીઓમાં ફોર્મ ભરેલા આસામીઓએ અપસેટ પ્રાઈઝથી ઉપરની બોલી લગાવવાની રહેશે. (File photo)