યાત્રાધામ અંબાજી, ડાકોર, સહિત મંદિરોમાં આજે ગુરૂપૂર્ણિમાં લીધે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં
અમદાવાદઃ ગુજરાતભરમાં આજે ગુરૂપૂર્ણિમાનું પર્વ ભારે ઉત્સાહની ઊજવાયું હતું. જેમાં યાત્રાધામ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ચોટિલા ચામુડા માતાજી, તેમજ ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં આજે વહેલી સવારથી ભાવિકોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. આજે ગુરુભક્ત શિષ્યો ગુરુવંદના કરવા ગુરુજી પાસે પહોંચી જતા હોય છે. શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરએ ગુરુપૂર્ણિમાને લઇ મંદિર ચાચરચોકમાં ભક્તોનો ભારે મેળવાળો જોવા મળ્યો હતો. ભાવિકો લાલ ધજા પતાકાઓ લઈને અંબાજી પહોંચ્યા હતા.
ગુરુપૂર્ણિમાએ દરેક મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. ડાકોરના ઠાકોરના દર્શને ભાવિક ભક્તો ઉમટ્યા હતા. જ્યાં મંદિરમાં કૃષ્ણમ વંદે જગતગુરુના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી. ગુરુપૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આ ઉપરાંત યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું હતુ. અંદાજીત 4 લાખ ભક્તોએ આજના પાવન દિવસે માં મહાકાળીના દર્શન કર્યા હોવાનો અંદાજ છે. ગુરુપૂર્ણિમા અને રવિવારના સંયોગને લઈ યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તેમજ ચોટિલામાં ચામુંડા માતાજી, બહુચરાજી મંદિરમાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા.
શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે ભક્તો રવિવાર આઠમ અને પૂનમે દર્શન કરવા આવતા હોય છે. અંબાજી મંદિરમાં આજે પૂનમે સવારે 6:00 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા. લાંબી-લાંબી લાઈનો પણ મંદિર પરિસરમાં જોવા મળી હતી.