નખત્રાણા નજીક ધોધમાં બે યુવાનો તણાયા, બાવળના સહારે બે કલાક કાઢ્યા, અંતે રેસ્ક્યુ કરાયું
ભૂજઃ જિલ્લાના સારા વરસાદને લીધે નખત્રાણા નજીક પાલરધુના ધોધ સક્રિય થયો હતો. ત્યારે આ ધોધની મજા માણવા બે યુવક આવ્યા હતા, જોકે તેઓ ધોધના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. 2 કલાક સુધી ગળાડૂબ પાણીમાં બાવળના સહારે બે યુવક લટકી રહ્યાં હતા અને જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા. અંતે સ્થાનિકો લોકો તેમજ પોલીસ દોડી આવી હતી. અને પાણીમાં ફસાયેલા આ બે યુવાનોને દોરડાની મદદથી રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, નખત્રાણા તાલુકામાં બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે પાલરધુના ખાતે ધોધ સક્રિય થયો હતો. એ ધોધના વહેતા પાણીને જોવા સહેલાણીઓ ત્યા ફરવા પહોંચ્યા હતા. આ વિસ્તારમાં પથ્થરો હોવાના લીધે પાણીનું વહેણ ખૂબ જ પુરજોશથી આવતું હોય છે. ત્યારે વરસાદ વધતાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો. આ સમયે ફરવા આવેલા બે યુવનો ધસમસતા પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા. ત્યાર બાદ આજુબાજુનાં ગામના આગેવાનો અને લોકો બચાવવા દોડી આવ્યા હતા. નખત્રાણા પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર હાજર થઈ ગઈ હતી. બન્ને યુવાનો પાણીના પ્રવાહ વચ્ચે આવેલા એક બાવળની ડાળી પકડીને રોકાઈ ગયા હતા. બન્ને યુવનો ગળાડૂબ પાણીમાં ફસાઈ ગયા હતા. જેથી બૂમાબૂમ થતાં સેવાભાવી યુવાનો આ યુવકોને બચાવવા દોડી આવ્યા હતા. સાહસી યુવાન બાબુરામ રાજપૂત દ્વારા પાણીમાં ઝંપલાવી અને અન્ય લોકોએ દોરડું પકડીને આ બન્ને યુવકોને જીવના જોખમે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. અંતે બન્ને યુવનોને પાણીમાંથી બહાર કાઢી લેતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો અને બચાવનાર યુવકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની હિંમતને બિરદાવામાં આવી હતી.