લોકસભામાં પેપર લીક મામલે વિપક્ષે સરકારને ઘેરવાના કર્યાં પ્રયાસ
નવી દિલ્હીઃ લોકસભામાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, આ સત્રમાં મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદમાં ફરી એકવાર પેપર લીકનો મુદ્દો ઉભો થયો છે. એટલું જ નહીં પેપર લીક મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે કે પરીક્ષા પદ્ધતિમાં ઘણી ખામીઓ છે. પરીક્ષા પ્રણાલીમાં ગોટાળો કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દરેકની ખામીઓ ગણાવી, પરંતુ પોતાની ખામીઓ ગણાવી નહીં. રાહુલે કહ્યું કે મારો શિક્ષણ મંત્રીને પ્રશ્ન છે કે તમે આ મુદ્દાના ઉકેલ માટે શું કરી રહ્યા છો?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલે કહ્યું કે, પેપર લીકની વાત માત્ર NEETના સંબંધમાં નથી થઈ રહી, પરંતુ તે તમામ પરીક્ષાઓ વિશે છે. આ એક ગંભીર વિષય છે. શિક્ષણ મંત્રી બધાને દોષી ઠેરવી રહ્યા છે, પરંતુ પોતે નહીં. તેઓએ આ સમસ્યા હલ કરવા શું કર્યું છે? રાહુલના આ નિવેદન પર શિક્ષણ મંત્રી ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે કોંગ્રેસના સાંસદે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને નકામી ગણાવી છે. આનાથી કમનસીબ નિવેદન કોઈ ન હોઈ શકે.
ખરેખર, NEET પેપર લીકને લઈને સંસદમાં ચર્ચા થઈ હતી. આ દરમિયાન કન્નૌજના સાંસદ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે આ સરકાર પેપર લીકનો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. જો ધર્મેન્દ્ર શિક્ષણ પ્રધાન રહેશે તો વિદ્યાર્થીઓને ન્યાય મળવાનો નથી. તેના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે NEET પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હું આ મુદ્દે રાજકારણ કરવા માંગતો નથી. યુપીના સીએમ તરીકે અખિલેશના કાર્યકાળ દરમિયાન કેટલા પેપર લીક થયા છે તે બધાને ખબર છે. પેપર લીકને લઈને ગરમાગરમ વાતાવરણ વચ્ચે રાહુલ ગાંધીએ આ મુદ્દે બોલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને આમ કરવાની પરવાનગી આપી હતી.