1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 139 તાલુકામાં પડ્યો વરસાદ, ઉપલેટા અને કલ્યાણપુરમાં સાંબેલાધારે 11 ઈંચ,
ગુજરાતમાં 139 તાલુકામાં પડ્યો વરસાદ, ઉપલેટા અને કલ્યાણપુરમાં સાંબેલાધારે 11 ઈંચ,

ગુજરાતમાં 139 તાલુકામાં પડ્યો વરસાદ, ઉપલેટા અને કલ્યાણપુરમાં સાંબેલાધારે 11 ઈંચ,

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, આજે સોમવારે બપોર સુધીમાં 126 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ, રાજકોટના ઉપલેટા પણ 11 ઈંચ તેમજ માણાવદરમાં 6 ઈંચથી વધુ, તથા વિસાવદર, માળિયા હાટિના, દ્વારકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.  જ્યારે ગીરગઢડા, સુરતના પલસાણા, બારડોલી, કામરેજ, ઉંમરપાડા, પોરબંદરના રાણાવાવ, વલસાડના વાપી સહિત 139 તાલુકામાં ભારે વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. કલ્યાણપુરના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટના ઉપલેટાના લાઠ ગામે 2 કલાકમાં અંદાજે 11 ઈંચ વરસાદ ખાબકતા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. જ્યારે કેશોદના શેરગઢમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શેરગઢની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ પુલમાં ગાબડું પડતાં ગામનો મુખ્ય રસ્તો બંધ થયો છે. માણાવદરનું જીંજરી ગામ પણ બેટમાં ફેરવાયું છે. તેમજ ગીર ગઢડામાં પણ વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

સુરત શહેર અને જિલ્લામાં રવિવારે ભારે વરસાદ પડ્યા બાદ આજે સોમવારે પણ વરસાદ પડ્યો હતો, ભારે વરસાદને કારણે કડોદરા-સુરત મુખ્ય માર્ગ પર 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

સૌરાષ્ટ્રના કેશોદમાં ધોધમાર વરસાદથી ફરી તબાહી મચી છે. ત્યારે કેશોદના શેરગઢમાં તો નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.  નદીમાં પૂર આવતા પૂલમાં ગાબડા પડ્યા છે. જેને પગલે લોકોને હાલાકી પડી રહી છે. વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. શેરગઢનો રોડ આવક જાવક માટે બંધ થયો છે. ગામમાં વધુ વરસાદ પડવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડવાના કારણે ઘરમાં પાણી ઘૂસ્યા છે જેને લઈ 15 વ્યક્તિઓને શાળામાં આશરો અપાયો છે.

યાત્રાધામ દ્વારકામાં ફરી આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ફરી દ્વારકાનગરી પાણી પાણી થઈ છે. મુખ્ય રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્દશ્યો જોવા મળી રહ્યા છે. જેથી વાહનચાલકોને ખુબ હાલાકી પડી રહી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, આસોટા વગેરે ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક ખેતરોનું ધોવાણ થયું હતું. ભારે વરસાદના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકામાં આવેલી એનડીઆરએફની ટીમના જવાનોએ મોરચો સંભાળી અને બચાવ રાહત કાર્ય હાથ ધર્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં આજે ફરી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કેશોદમાં વહેલી સવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી પડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code