અમદાવાદઃ ગુજરાતમાં લોકોને અમેરિકા જવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકાના વિઝા મેળવવા તે ઘણા લોકોનું એક સ્વપ્નુ હોય છે. હાલ સાત લાખ જેટલાં લોકોએ અમેરિકાના વિઝા મેળવવા માટે નિયત કરાયેલી ફી ભરી દીધી છે. છતાંયે વિઝાના ઈન્ટરવ્યુ માટે તારીખ મળતી નથી. 50,000 અરજદારો તો એવા છે કે, છેલ્લા એક વર્ષથી વિઝા માટેની તારીખની રાહ જોઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ઓનલાઇન વિઝા એપ્લિકેશન સિસ્ટમમાં એરર હોવાથી છેલ્લા એકથી દોઢ મહિનાથી લોકો પરેશાન છે. અમેરિકા જવાનો સૌથી વધુ ક્રેઝ ગુજરાતીઓમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી સાત લાખ લોકોની વિઝા ફી ભરાઇ ગઇ છે પણ તારીખ જ મળતી નથી. જે પૈકી 50 હજાર એવા અરજદારો છે, જેમની એક વર્ષથી તારીખ ન મળવાના કારણે રૂ. 16,000 લેખે આઠ કરોડ વિઝા ફી જતી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આખી પ્રક્રિયા પુનઃ હાથ ધરવી પડશે. અમેરિકાના વિઝા મેળવવાની દિનપ્રતિદિન પ્રક્રિયા કઠિન બનતી જતી હોવાથી ગુજરાતમાંથી ઘણાબધા વિઝા ક્ન્સલ્ટન્ટોએ વિઝાનું કામ બંધ કરી દીધું છે. કેટલાક અરજદારો મુંબઈની યુએસ વિઝા ઓફિસમાં પૂછતાછ કરી રહ્યા છે.
અમદાવાદના એક વિઝા કન્સલ્ટન્ટના કહેવા મુજબ વિઝા ઇન્ટરવ્યૂ માટે વર્ષ 2025 સુધી વેઇટિંગ ચાલી રહ્યું છે. યુએસના વિઝા માટે ઓનલાઇન ફોર્મ ભરાઇ ગયા બાદ પ્રોફાઇલમાં તારીખ સિલેક્ટ કરવામાં આવે ત્યારે ‘એક્સેસ લિમિટેશન’ જેવી એરર આવે છે, આગળ તારીખ લેવાતી જ નથી. મેઇલમાં ક્વેરીનો નિકાલ થતો નથી. યુએસના કોલ સેન્ટર પર જ્યારે ફોન કરવામાં આવે છે, તો આઇપી એડ્રે્સ, પાસપોર્ટની કોપી, સિસ્ટમ લિમિટેશનની પ્રિન્ટ સ્ક્રીનનો મેલ પર માહિતી મંગાવવામાં આવે છે ત્યારબાદ પણ કોઇ નિકાલ થતો નથી. અમદાવાદની એક જાણીતી સ્કૂલે 46 વિદ્યાર્થીઓને નાસાની ટૂર કરાવવા આઠ લાખ ફી ભરી દીધી છે, એક વર્ષ થઇ જતા ઇન્ટરવ્યૂ માટે તારીખ મળતી નથી. અમેરિકાના B1-B2 સહિત કોઇ પણ કેટેગરીના વિઝા મેળવવા મુશ્કેલ બનતા જાય છે.