અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં 24 કલાકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં અકસ્માતના ત્રણ બનાવોમાં ભણના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના એસજી હાઈવે પર વાયએમસી કલબ પાસે એસટી બસની અડફેટે બાઈકસવારનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ શહેરના કૂબેરનગર વિસ્તારમાં ટ્રેલરે ટક્કર મારતા યુવાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ત્રીજા બનાવમાં વટવા જીઆઈડીસીથી રોપડા ગામ તરફ જતાં યુવાનને ટ્રકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.
પ્રથમ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના વેજલપુરમાં રહેતા રાયમલ રબારી (ઉ.વ.25) પરોઢિયે 5 વાગ્યે એસજી હાઈવે ઉપર વાયએમસીએ કલબ પાસેથી બાઈક પર જઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે પસાર થઈ રહેલી એક એસટી બસના ચાલકે બાઈકને ટકકર મારી હતી. જેથી રાયમલ બાઈક સાથે રોડ ઉપર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મૃત્યુ પામ્યા હતા. આ અંગે એસજી – 2 ટ્રાફિક પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
બીજા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, શહેરના કુબેરનગર વિસ્તારમાં ટ્રેલરે અડફેટે લેતા રાહુલ નામના યુવાનનું મોત નિપજ્યું હતુ. આ અંગે ઓઢવ અંબિકા એસ્ટેટ પાસે રહેતા પ્રકાશ જોરાસ (ઉ.વ.45) ના માસીનું અવસાન થયું હોવાથી તેઓ પત્ની આશાબહેન સાથે બહારગામ ગયા હતા. દરમિયાનમાં તેમના મોટા દીકરા રાહુલનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની જાણ થતાં તે બંને અમદાવાદ આવી ગયા હતા. તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તેમને જાણવા મળ્યું હતુ કે, રાહુલ કુબેરનગર પાસેથી પસાર થતો હતો ત્યારે ટ્રેલરે ટક્કર મારી હતી અને ટ્રેલરનું વ્હીલ ફરી વળતાં તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અકસ્માતના ત્રીજા બનાવની વિગતો એવી છે કે, દસક્રોઈ તાલુકાના રોપડા ગામમાં રહેતા ગોરધન ઠાકોર(ઉ.વ.38) વટવા જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરતા હતા. સાંજે 7 વાગ્યે તેઓ ઘરેથી ચાલતા નોકરીએ ગયા હતા. રોપડા ચાર રસ્તા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે અડફેટે લેતા તેઓ ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા મૃત્યુ પામ્યા હતા. આ અંગે ગોરધનભાઈના ભત્રીજાએ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છુટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.