ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આરટીઓના અધિકારીઓ પણ સક્રિય બનીને સમયાંતરે વાહન ચેકિંગ ઝૂંબેશ ચલાવી રહ્યા છે. ગાંધીનગર આરટીઓએ છેલ્લા એક મહિનામાં સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવીને 390 ઓવર સ્પીડના કેસ નોંધીને વાહનચાલકોને કુલ 7.80 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. તેમજ 19 પ્રકારના વિવિધ નિયમોના ઉલ્લઘન બદલ આરટીઓ દ્વારા વાહનચાલકોને કૂલ મળીને 27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં પણ છેલ્લાં કેટલાક સમયથી હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. રોડ સેફ્ટીને લઈને ગાંધીનગર આરટીઓ દ્વારા કડક પગલાં ભરાતાં માત્ર એક મહિનામાં જ 27 લાખથી વધુનો દંડ વાહન ચાલકોને ફટકાર્યો છે. જેથી કરીને જિલ્લાના જાહેર માર્ગો પર પોતાની મરજી મુજબ નિયમોનું ઉલ્લંધન કરીને પરિવહન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગાંધીનગર આરટીઓ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવીને કામગીરી હાથ ધરી છે. મોટાભાગના અકસ્માતમાં મુખ્ય કારણ એવાં હિટ એન્ડ રનના કેસને કાબૂમાં લેવાં માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખતાં માત્ર એક મહિનાના સમયગાળામાં જ 390 ઓવર સ્પીડના કેસ નોંધીને વાહનચાલકોને કુલ 7.80 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. જેમાંથી હાલ તંત્રના ખાતામાં 66 હજારની રિકવરી પણ થવા પામી છે. આ ઉપરાંત જુદા-જુદા 19 ગુનાઓમાં 27.07 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. જેમાંથી 15.96 લાખની વસૂલાત કરીને સરકારમાં જમા પણ કરી દેવામાં આવ્યાં છે. દંડ ભરવા માટે વાહનચાલકોને 90 દિવસની સમયમર્યાદા અપાઇ છે. હાલ કુલ 19 પ્રકારના વિવિધ નિયમોના ઉલ્લઘન બદલ આરટીઓ દ્વારા દંડ ફટકારાયો છે. જેમાં ઓવર સ્પિડના સૌથી વધારે કેસ નોંધાયેલાં છે. જ્યારે સીટ બેલ્ટ, નો પાર્કિંગ, વિમો, હેલ્મેટ, રોડ સેફ્ટી, પીયુસી, વગર નંબર પ્લેટ જેવાં કુલ 19 નિયમોના ઉલ્લઘન બદલ 840 કેસ એક મહિનામાં નોંધાયા છે.