મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં, આજે સુપ્રીમમાં હાથ ધરાશે સુનાવણી
છેલ્લા 16 મહિનાથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં તેના પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને જામીનની વિનંતી કરતી વખતે દલીલ કરી હતી કે તેઓ 16 મહિનાથી જેલમાં છે અને ગયા વર્ષે ઓક્ટોબરથી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી.
સુપ્રીમ કોર્ટે CBI, ED પાસેથી જવાબ માંગ્યો હતો
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 29 જુલાઈની કોઝ લિસ્ટ મુજબ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે. વી.વિશ્વનાથનની બેન્ચ સિસોદિયાની અરજી પર સુનાવણી કરશે.
કોર્ટે 16 જુલાઈના રોજ અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ હતી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબો માંગ્યા હતા. સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં તેમની જામીન અરજીઓ પર પુનર્વિચાર કરવા વિનંતી કરતી અરજી પણ દાખલ કરી છે.
સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી
સીબીઆઈએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની દારૂ નીતિ કેસમાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી. EDએ CBI FIRના આધારે મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023ના રોજ તેમની ધરપકડ કરી હતી. સિસોદિયાએ ગયા વર્ષે 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.