ભારત-સાઉદી આરબે રોકાણ પર ઉચ્ચ-સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક યોજી
નવી દિલ્હીઃ ઇન્વેસ્ટમેન્ટ્સ પર ભારત-સાઉદી અરેબિયા ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક વર્ચ્યુઅલ મોડમાં આયોજિત કરાઈ, જેની સહ અધ્યક્ષતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા અને સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે કરી. બંને પક્ષોએ ટાસ્ક ફોર્સની ટેકનિકલ ટીમો વચ્ચે થયેલી ચર્ચાની સમીક્ષા કરી.
જાહેર અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય રોકાણ માટેની વિવિધ તકો પર રચનાત્મક ચર્ચાઓ કરવામાં આવી, જેમાં રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ, નવી અને રિન્યુએબલ એનર્જી, પાવર, ટેલિકોમ, ઇનોવેશન સહિતના મુદ્દા સામેલ હતા. બંને પક્ષોએ પરસ્પર ફાયદાકારક રીતે દ્વિ-માર્ગીય રોકાણોને પ્રોત્સાહન આપવાના હેતુથી પગલાંની વિગતવાર સમીક્ષા કરી હતી. PMના અગ્ર સચિવે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને PMની મુલાકાત દરમિયાન પ્રતિબદ્ધ US$ 100 બિલિયનના સાઉદી રોકાણોને સક્રિય સમર્થન આપવાના ભારત સરકારના મક્કમ ઈરાદાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને પક્ષો ચર્ચાને આગળ વધારવા અને ચોક્કસ રોકાણો પર સમજૂતી સુધી પહોંચવા માટે બંને પક્ષોની તકનીકી ટીમો વચ્ચે નિયમિત પરામર્શ કરવા સંમત થયા હતા. સેક્રેટરી પેટ્રોલિયમના નેતૃત્વમાં એક સત્તા પ્રાપ્ત પ્રતિનિધિમંડળ તેલ અને ગેસ ક્ષેત્રમાં પરસ્પર લાભદાયી રોકાણ પર ફોલો-અપ ચર્ચા માટે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. સાઉદી પક્ષને ભારતમાં સોવરિન વેલ્થ ફંડ PIFની ઓફિસ સ્થાપવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું. પ્રિન્સિપલ સેક્રેટરીએ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકના આગામી રાઉન્ડ માટે સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદની સપ્ટેમ્બર, 2023માં ભારતની રાજકીય મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયને પગલે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ દ્વિપક્ષીય રોકાણોની સુવિધા માટે એક વિશેષ સંસ્થા છે. તેમાં બંને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમાં ભારતના નીતિ આયોગના સીઇઓ, આર્થિક બાબતો, વાણિજ્ય, વિદેશ મંત્રાલય, ડીપીઆઈઆઈટી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પાવર સચિવનો સમાવેશ થાય છે.