રાજકોટઃ મોંઘવારી રોજબરોજ વધી રહી છે. શાકભાજીથી લઈને ખાદ્ય ચિજ-વસ્તુઓમાં વધતા જતા ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. જેમાં તહેવારો નજીક છે. ત્યારે જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. બે મહિનામા પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લાં 15 દિવસમાં કુલ 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
રાજકોટમાં ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં રૂ. 80નો વધારો થયો છે. 15 કિલોનો ડબ્બો 2720 રૂપિયા હતો, જે વધી 2800 રૂપિયા થયો છે. ચોમાસાને કારણે સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક લગભગ નહિવત જેવી છે. ઓઇલ મિલમાં પિલાણ કરવા માટે કાચા માલનો ઓછો સ્ટોક હોવાને કારણે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે. પણ ઉનાળું મગફળીનો પાક પણ સારા પ્રમાણમાં થયો હોવા છતાંયે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. એક તરફ સિંગતેલનો ભાવ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ, શાકભાજીના ભાવ ગૃહણીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. એક સમયે 100 થી 120 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. ટામેટાના ભાવ 60-80 રૂપિયા કિલોએ પહોંચ્યા છે. જોકે અન્ય શાકભાજીઓના ભાવમાં હજુ ઘટાડો જોવા મળતો નથી. 120 રૂપિયા કિલો વેચાતું ફ્લાવર અને 100 -80 રૂપિયા કિલો વેચાતા ભીંડાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. ટિંડોળા અને પાપડીનો ભાવ 120-100 રૂપિયા કિલો અને ફણસી 120-160 રૂપિયા કિલો, ગવાર 140-150 રૂપિયા કિલોના ભાવ પહોંચ્યા છે. જો કે રાજ્યભરમાં વરસાદ સારોએવો પડ્યો છે. એટલે આગામી દિવસોમાં શાકભાજીના ભાવ ઘટવાની શક્યતા છે.