ખારાઘોડા સહિત રણ વિસ્તારમાં સી’ કેટેગરીના મીઠાંના વહન માટે રેલવેએ આખરે વેગનો ફાળવ્યા
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડા, પાટડીનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. અને રણ વિસ્તારમાં અગરિયાઓ મીઠું પકવીને રોજગારી મેળવી રહ્યા છે. રણ વિસ્તારમાં મીઠાના ગંજ ખડકાયા છે. અને મીઠાંને ટ્રક-ટ્રાન્સપોર્ટ અને ગુડ્ઝ ટ્રેન દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવે છે. જેમાં રેલવેએ સી કેટેગરીના મીઠાંના વહન માટે લોડિંગ બંધ કરાતા મીઠા ઉત્પાદકોની હાલત કફોડી બની હતી, “સી” કેટેગરી મીઠાના લોડીંગથી દેશના ગરીબ પરિવારોને વાજબી ભાવથી મીઠું મળતું હતું.અને છેલ્લા છેલ્લા બે વર્ષમાં ખારાઘોડા, સાંતલપુર, હળવદ અને આડેસર સ્ટેશનથી છેલ્લા બે વર્ષમાં 27,85,000 ટન મીઠાનું લોડીંગ થયું હતું,જે હવે સદંતર બંધ થઇ જતા મીઠા ઉદ્યોગ મુશ્કેલીમા મુકાયો હતો. આથી રેલવે મંત્રાલયને કરાયેલી રજુઆતો બાદ C કેટેગરીનો છ માસનો રેલવે કોટો ફાળવતા મીઠા ઉદ્યોગને રાહત મળી છે.
દેશમાં કૂલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાત 70 ટકા હિસ્સો ધરાવે છે. એમાં 35 ટકા જેટલું મીઠું તો એકમાત્ર ઝાલાવાડ પંથકમાં પાકે છે. ત્યારે ગુજરાતના મીઠા ઉદ્યોગમા આઈટમ “સી”નું લોડીંગ બંધ કરાતા રૂ.200 કરોડનો ફટકો પડ્યો હતો. રેલવેના તખલખી નિર્ણયના કારણે આઈટમ C કોટા રેકોનું લોડીંગ બંધ કરવામાં આવ્યું હતું. આ અંગે મીઠાના ઉત્પાદકો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. અગાઉ સી કેટેગરીના મીઠાની જૂન-2022થી જૂન-2024 સુધીમાં ખરાઘોડાથી 368 રેક લોડ થઈ હતી.જ્યારે સાંતલપુરથી જૂન-2022થી જૂન-2024 સુધીમાં 358 રેક અને હળવદથી જૂન-2022થી જૂન-2024 સુધીમાં 273 રેકનું અને આડેસરથી આ બે વર્ષમાં 115 રેકોનું લોડીંગ થયુ હતું. જેમાં કુલ રેક દ્વારા અંદાજે 27,85,000 ટન મીઠાનું લોડીંગ છેલ્લા બે વર્ષમાં થયેલું છે.આ મીઠું એકાએક બંધ થવાના કારણે દેશમાં મીઠાની અછત થવાના એંધાણ દેખાઈ રહ્યાં હતા.
મીઠા ઉત્પાદકો અને જિલ્લાના રાજકીય નેતાઓની રજુઆત બાદ C કેટેગરીનો છ માસનો રેલવે કોટો ફાળવતા મીઠા ઉદ્યોગને રાહત મળી છે. આ અંગે વધુ વિગત આપતા ગ્રીષ્માના ઉપપ્રમુખ હિગોરભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલ તૉ આઈટમ C કેટેગરીનો છ માસનો રેલવે કોટો ફાળવાયો છે. અને છ મહિના બાદ તંત્ર આ C કેટેગરી મીઠા માટે ફેર વિચારણા કરશે.