સુરતઃ રખડતા કૂતરાએ સૂતેલા માસૂમ બાળક પર કર્યો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદઃ સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રખડતા કૂતરાએ સોફા પર સૂતેલા બાળક પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટના સમયે એક મહિલા તેના બાળકને સોફા પર સૂવડાવી ઘરનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક રખડતો કૂતરો ઘરમાં ઘૂસી જાય છે અને સોફા પર સૂતેલા બાળક પર હુમલો કરે છે. પહેલા એવું લાગતું હતું કે કૂતરો ખાવા-પીવાની વસ્તુઓ શોધી રહ્યો છે. પરંતુ તેણે તેમ ન કર્યું, તેના બદલે બાળક પર હુમલો કર્યો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેને બચાવી લીધો.
બાળકને ગંભીર ઈજા થઈ હતી. તેમને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોને માથામાં 15 ટાંકા આવ્યા હતા. તેની હાલત એકદમ નાજુક છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે શ્વાનના ત્રાસને લઈને પ્રશાસનને ઘણી ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી લોકોને કૂતરાઓના ત્રાસથી બચાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લોકો હજુ પણ ચિંતિત છે.