અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો, જુલાઈમાં માત્ર 5 શીપ ભંગાવવા માટે આવ્યા
ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અને આ શીપ બ્રેકિંગ ઉદ્યોગે ભૂતકાળમાં પણ અનેકવાર મંદીનો સામનો કર્યો છે. હાલ વૈશ્વિક મંદિને કારણે શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીના વમળોમાં ફરીવાર ફસાયો છે. અલંગમાં ચાલુ વર્ષે જુલાઈ માસમાં માત્ર ૪ શીપ ભંગાવવા માટે આવ્યા હતા. કોરોનાકાળમાં શીપ બ્રેકિંગ ઉદ્યોગની જે સ્થિતિ હતી તેનાથી પણ ખરાબ સ્થિતિ હાલ અલંગની જણાઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષોમાં આ બીજીવાર એવું બન્યું છે કે જુલાઈમાં સૌથી ઓછા શીપ આવ્યા હોય. અગાઉ વર્ષ-2022ના જુલાઈ માસમાં અલંગમાં માત્ર ૩ શીપ આવ્યા હતા અને તે બાદ ચાલુ વર્ષે જુલાઈ-2024માં 4 શીપ જ ભંગાણ માટે બીચ થયાં છે. કોરોનાકાળના ચાર વર્ષોમાં વર્ષ 2019થી 2022ના જુલાઈ માસમાં કુલ 55 શીપ અલંગમાં આવ્યા હતા. જેની સામે વર્ષ-2024માં અત્યાર સુધીમાં છેલ્લા સાત મહિનાામાં 57 શીપ આવ્યા છે, ત્યારે જિલ્લાનો આ ઉદ્યોગ જો ફરી બેઠો નહી થાય તો જિલ્લાના અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવશે.
શીપ બ્રેકિંગ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરની આર્થિક કરોડરજ્જુ એવું અલંગ હાલ સૌથી લાંબી મંદીનો સામનો કરી રહ્યું છે. ગત એપ્રીલ-2024માં અલંગમાં માત્ર ત્રણ જહાજ ભંગાવવા માટે અલંગમાં આવ્યા પછી મે અને જુન-2024માં અનુક્રમે 12 અને 10 જહાજ આવતા શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં આશાની કિરણજાગી હતી. જોકે જુલાઈ-2024માં આ આશા ફરી ખોટી સાબિત થતા જુલાઈ-2024માં માત્ર 4 શીપ જ આવ્યા છે. અલંગ માટે જુલાઈ માસ ખુબ નબળો સાબિત થઈ રહ્યો છે. અલંગમાં છેલ્લા પાંચ વર્ષોમાં બીજી વખત જુલાઈ માસમાં સૌથી ઓછા શીપ બીચ થયાં છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અલંગમાં જુલાઈ-2022માં માત્ર 3 શીપ આવ્યા હતા જે બાદ ફરી આ વર્ષે માત્ર 4 શીપ જ આવતા અલંગ અને તેની સાથે સલંગ્ન વેપારને સીધી અસર પડી રહી છે. અલંગમાં ભંગાણ માટે આવતા શીપના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાકાળ કરતા પણ વિકટ પરિસ્થિતિનો સામનો હાલ શીપ બ્રેકિંગ ઉદ્યોગ કરી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. દેશમાં 25 માર્ચ 2020થી 30 જુન 2020 સુધી જુદાં-જુદાં તબક્કામાં લોકડાઉન અમલી કરાયું હતું અને તેની દેશના અર્થતંત્રમાં પણ અસર જોવા મળી હતી. પરંતુ તે સમયગાળામાં અલંગમાં આવતા શીપોની સરખામણીએ હાલ તેનાથી ઓછા અથવા તે સમયગાળા જેટલા જ શીપો અલંગમાં આવી રહ્યાં છે. તત્કાલિન સમયે કોરોનાકાળ વિત્યા પછી અલંગનો સુર્યોદય થશે તેવું માનવામાં આવતું હતું પરંતુ તેનાથી વિપરત હજુ શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજીના એંધાણ દેખાતા નથી.