બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવા રાષ્ટ્રપતિએ કર્યો આદેશ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ વચ્ચે શેખ હસીનાએ સોમવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો. જે બાદ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને ઢાકામાં બંગભવન ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વચગાળાની સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં BNP પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શહાબુદ્દીનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં “બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાને તાત્કાલિક મુક્ત કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો.” બેઠકમાં અનામત વિરોધી આંદોલનમાં માર્યા ગયેલા લોકોની યાદમાં શોક ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
બેઠકમાં, વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દરેકને ધીરજ અને સહનશીલતાનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. લૂંટફાટ અને હિંસક પ્રવૃતિઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં, અનામત વિરોધી આંદોલન દરમિયાન અટકાયત કરાયેલ તમામ લોકોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એ વાત પર પણ સહમતિ સધાઈ હતી કે કોઈ પણ સમુદાયને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.
અગાઉ, હસીના ભારત જવા રવાના થતાં, બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને તેમના રાજીનામાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે દેશ ચલાવવા માટે ટૂંક સમયમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. રવિવારે પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં 100થી વધુ લોકો માર્યા ગયા અને 1,000 થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. દેશના અગ્રણી દૈનિક ‘ધ ડેઇલી સ્ટાર’એ અહેવાલ આપ્યો છે કે, ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 300ને વટાવી ગયો છે.
વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ પ્રધાનમંત્રી હસીનાની આગેવાની હેઠળની સરકાર પર ભારે દબાણ કર્યું છે. વિદ્યાર્થીઓ 1971માં લોહિયાળ ગૃહયુદ્ધમાં પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આરક્ષણ ઘટાડીને પાંચ ટકા કર્યા પછી વિદ્યાર્થી નેતાઓએ વિરોધને બંધ કરી દીધો હતો, પરંતુ ગુસ્સે થયેલા વિરોધીઓએ જણાવ્યું હતું કે, સરકારે તેમના તમામ નેતાઓને મુક્ત કરવાના તેમના કૉલ્સને અવગણ્યા હતા. તેઓ પ્રધાનમંત્રી હસીનાના રાજીનામાની માંગ પર અડગ હતા.