નવી દિલ્હીઃ દેશમાં તા. 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આઈએસઆઈએસ મોડ્યુઅલના આતંકવાદીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ આરંભી છે. તપાસનીશ એજન્સી એનઆઈએએ આ આતંકવાદી ઉપર અગાઉ રૂ. 3 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આતંકવાદી રિઝવાન દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આતંકવાદીના અન્ય સાગરિતોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી રિઝવાન પુણે આઈએસઆઈએસ મોડ્યુઅલનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને તેની ધરપકડ કરી છે. તેની પાસેથી હથિયાર મળી આવ્યાં હતા. આતંકવાદી રિઝવાનને એનઆઈએએ વોન્ટેડ જાહેર કર્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી તેની તપાસ કરવામાં આવી રહી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી રિઝવાન અલી અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભીને દિલ્હીના બાયોડાયવર્સિટી પાર્ક પાસે ગંગા બક્સ માર્ગ પાસેથી મોડી રાતે આતંકવાદીને ઝડપી લીધો હતો. તેની પાસેથી 0.30 બોરની એક સ્ટાર પિસ્ટલ અને ત્રણ કારતુસ મળી આવતા તેને જપ્ત કર્યાં હતા. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે આતંકવાદી રિઝવાનને ઝડપી લઈને તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેમજ આગવી ઢબે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે આતંકવાદી રિઝવાન સાથે સંડોવાયેલા અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે. તેમજ દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.