ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ સહિત વિદ્યાશાખાઓમાં 19,631 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો,
અમદાવાદઃ ગુજરાતમાં તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ થયો છે. જેમાં મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ-હોમિયોપથીની બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન વિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાના ચોથા દિવસે કુલ 20,070 વિદ્યાર્થીને પિન વિતરણ કરવામાં આવ્યું છે. જેની સામે 19,631 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ કન્ફોર્મ કરાવી લીધો છે.
ગુજરાતમાં આ વખતે યુજીનીટની બબાલને લીધે પ્રવેશ કાર્યવાહીમાં થોડો વિલંબ થયો હતો. અને પ્રવેશ માટે લીલીઝંડી મળ્યા બાદ તબીબી વિદ્યાશાખાઓની વિવિધ શાખાઓમાં ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરાયો હતો. પ્રવેશ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં 12,503 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓને હજી પણ 13મી ઓગષ્ટ સુધીમાં પિન ખરીદી કરીને રજિસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તક આપવામાં આવી છે. 14 ઓગષ્ટ સુધીમાં હેલ્પ સેન્ટર ખાતે ઓનલાઈન અરજી ચકાસણી અને પ્રમાણપત્રોની નકલ જમા કરાવી શકાશે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ કમિટીએ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપથીની બેઠકો પર પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર ઓનલાઈન પિન ખરીદી સારી ગતિવાળા બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેકશનવાળા ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સિક્યોરિટી ડિપોઝિટ ભરતી વખતે જે તે બેન્ક ખાતામાં રિફંડ મેળવવા માગતા હોય તે જ ખાતાથી ટ્રાન્ઝેક્શન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયાના ચોથા દિવસે કુલ 20,070 વિદ્યાર્થીને પિન વિતરણ કરવામાં આવ્યું છે. જેની સામે 19,631 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ કન્ફોર્મ કરાવી લીધો છે.