અમદાવાદમાં ખારીકટ કેનાલમાં 240 કરોડના કથિત ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે બેનરો લગાવી કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાત સરકા અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરાતાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભષ્ટ્રચારની ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કેનાલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે કેનાલના અંડરગ્રાઉન્ડના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં પ્રિકાસ્ટ RCC બોક્સ બનાવવાની જગ્યાએ માત્ર RCCની ડાયફ્રેમ વોલ બનાવી અંદાજે 249 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ સાથે કોંગ્રેસે બેનરો લગાવીને વિરોધ કર્યા છે.
અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ખૂલ્લી હોવાને લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ કાયમી સમસ્યા બની ગયો હતો. ઉપરાંત કેટલીક કેમિકલની ફેકટરીઓ દ્વારા દૂષિત પાણી કેનાલમાં ઠાલવવામાં આવતુ હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. મામલે કોંગ્રેસ દ્વારા કેટલાય વર્ષોથી વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કેનાલ કરવાનો નિર્ણય કરાયો હતો. છેલ્લા બે વર્ષથી કેનાલનું કામ ચાલી રહ્યુ છે, પરંતુ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. આ ઉપરાંત પ્રિકાસ્ટ RCC બોક્સ બનાવવાની જગ્યાએ RCC વોલ બનાવવામાં આવી છે, જેથી કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ફરીથી વિરોધ કર્યો છે. કેનાલ પર અલગ-અલગ જગ્યાએ બેનર લગાવી વિરોધ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી સમસ્યા ખારીકટ કેનાલ મુદ્દે સતત 7 વર્ષ સુધી આંદોલન ચાલ્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ,દિલ્હી સુધી રજૂઆતો કરી હતી, ત્યારબાદ બાદ વર્ષ 2022માં સરકારે ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાના 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ નિર્ણયથી અમદાવાદ પૂર્વની જનતાને હાશકારો થયો હતો કે, હવે ગંદકી અને પ્રદૂષણમાંથી મુક્તિ મળશે. અગાઉ ખારીકટ કેનાલમાં કેમિકલ માફીયા કેમિકલ ઠાલવી પ્રદૂષણ કરતા હતા.ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં પ્રિકાસ્ટ RCC બોક્સ બનાવવાની જગ્યાએ માત્ર RCCની ડાયફ્રેમ વોલ બનાવી અંદાજે 249 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ દ્વારા સમગ્ર ખારીકટ કેનાલ પર અલગ અલગ જગ્યાએ બેનર લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલ ભ્રષ્ટાચારની કેનાલ બની ગઈ છે. અંડર ગ્રાઉન્ડ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ટેન્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, પ્રિકાસ્ટ RCC બોક્સ બનાવવામાં આવશે, પરંતુ તેની જગ્યાએ RCCની દીવાલ બનાવવામાં આવી રહી છે. જેમાં 240 કરોડનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.