- ટ્રાફિક પોલીસ દ્વારા 22મી ઓગસ્ટ સુધી ડ્રાઈવ ચાલશે,
- બાઈક-સ્કુટર પાછળ બેઠેલાએ પણ હેલ્મેટ પહેરવો ફરજિયાત,
- રોંગસાઈડ વાહનો ચલાવનારાને દંડ કરાશે
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનો કાયદો કડક બનાવ્યા બાદ પણ શહેરમાં ટ્રાફિકભંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના દ્વિચક્રી વાહનો હેલ્મેટ પહેરતા જ નથી. તેમજ કારચાલકો પણ સિટબેલ્ટ લગાવતા નથી. વાહનચાલકો ચાલુવાહને મોબાઈલ ફોન પર વાત કરતા પણ જોવા મળી રહ્યા છે. ઉપરાંત રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યા બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી છેલ્લા બે દિવસમાં રૂપિયા 41 લાખનો દંડ વસુલ કર્યો હતો.
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા તેમજ વધતા જતા અકસ્માત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે થયેલી સુનાવણી દરમિયાન સરકાર અને ટ્રાફિક પોલીસને ફટકાર લગાવતા ટુ-વ્હીલર પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજીયાત કરવા તેમજ રોંગસાઈડ વાહન હંકારનારા સામે પગલા લેવા નિર્દેશ આપ્યા હતા. આથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિના વાહન હંકારનારા વાહન ચાલકો સામે ઝુંબેશ શરૂ કરી છે.જે 22 ઓગસ્ટ સુધી ઝૂંબેશ ચલાવાશે. આ ડ્રાઈવ દરમિયાન બે દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 7676 વાહનચાલકો પાસેથી કુલ 41.81 લાખથી વધુ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાઈવ શરૂ કરાયાના પ્રથમ દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ હેલ્મેટ વિના વાહન ચલાવનારા 2406 લોકો પાસેથી 12,05,000 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. જયારે ગેરકાયદે પાર્કીંગ કરનારા 947 લોકો પાસેથી 4,85,850 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવના બીજા દિવસે એટલે કે શનિવારે હેલ્મેટ વિના વાહન ચલાવનારા 4107 લોકો પાસેથી 20,59,5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.જયારે 196 લોકો પાસેથી રોંગસાઈડ વાહન હંકારવા બદલ 3,30,000 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ માત્ર 2 દિવસમાં 6513 લોકો હેલ્મેટ વિના વાહન ચલાવતા ઝડપાતા તેમની પાસેથી 32.64 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.