- ગત વર્ષે જુલાઈ મહિનામાં સંત સરોવર છલોછલ ભરાઈ ગયું હતુ,
- આ વખતે ધરોઈ ડેમ પણ 40 ટકા જ ભરાયો છે,
- ઉપરવાસમાં વરસાદ પડશે તો ડેમમાં પાણીની આવક વધશે
ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં આ વખતે સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ ઓછા વરસાદને કારણે ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં ખાસ વધારો થયો નથી. એટલે સાબરમતી નદી પરના ગાંધીનગરના સંત સરોવર હજુ છલોછલ ભરાયું નથી. ગત વર્ષે જુલાઇ માસમાં ઓવરફ્લો થયેલુ સંત સરોવર આ વખતે માત્ર 60 ટકા જેટલું જ ભરાયું છે. જેથી દર વખતે માર્ચ સુધી સંત સરોવરમાં પાણી ભરાયેલું રહેતું હતું તેના બદલે આ વખતે ફેબ્રુઆરી સુધી જ નદીમાં પાણી રહે તેવી સ્થિતિ છે. હાલમાં સંત સરોવરમાં 54.70 મીટર સુધી પાણીનો સ્ટોરેજ થઈ ગયો છે. જેથી નદી કિનારાના આસપાસના ગામોમાંના ભૂગર્ભજળના તળ ઊંચા આવશે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાંથી હજુ પાણી છોડવામાં આવ્યું નથી. ઉપરવાસ એટલે કે રાજસ્થાનમાં હજુ સુધી સારો વરસાદ નહીં પડતા ધરોઈ ડેમ 40 ટકા જ ભરાયો છે. તેમ છતાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે સંત સરોવર 60 ટકા ભરાઈ ગયો છે. આથી સાબરમતી નદીમાં 9 કિમી સુધીના પટમાં પાણીથી ભરચક જોવા મળી રહેશે. ગત વર્ષે તો 11મી જુલાઈના રોજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સવારે સંત સરોવરમાં પાણીનું આગમન થયું અને સાંજે દરવાજા ખોલવાની સ્થિતિ ઊભી થઈ હતી. જોકે હજુ ચોમાસું બાકી હોવાથી ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો સંત સરોવર સંપૂર્ણ ભરાઈ જાય ઉપરાંત તેના દરવાજા પણ ખોલવા પડે તેવી સ્થિતિની શક્યતા પણ રહેલી છે.
ગત ચોમાસામાં સંત સરોવરના દરવાજા દસેક વખત ખોલવાની ફરજ પડી હતી. જેમાં ઉપરવાસમાંથી પાણીની સારી આવકને પગલે અમુક દિવસોમાં તો સરોવરના આઠ-આઠ દરવાજા ખોલી નાંખવાની સ્થિતિ ઊભી થઈ હતી. જેની સામે અડધો ઓગસ્ટ પૂર્ણ થવા છતાં ચાલુ વર્ષે સંત સરોવરનો એકપણ દરવાજો ખોલવાની સ્થિતી ઉભી થાય તેવી પાણીની આવક થઇ નથી. સાબરમતી નદીના ઉપરવાસના વિસ્તારોમાં ચાલુ વર્ષે વરસાદ જ ઓછો થવા પામ્યો છે. ઓછા વરસાદ પડવા છતાં પણ સંત સરોવરમાં 60 ટકા પાણી ભરાતા આગામી વર્ષ માટે ભૂગર્ભજળ વધુ નીચા જતા અટકી જશે.
#SantSarovar #SabarmatiRiver #DharoiDam #GujaratMonsoon #WaterStorage #RainfallDeficit #GroundwaterRecharge #NarmadaDam #RainfallImpact #WaterManagement #NorthGujarat #RiverOverflow #DamLevels #WaterConservation