- વેળાવદરમાં વરૂઓ 9ના ઝૂંડમાં જોવા મળે છે,
- વરૂ એક દિવસમાં 40 કિમી સુધીનું અંતર કાપી શકે છે,
- કાળિયાર અને નીલગાયના બચ્ચા વરૂનો મુખ્ય આહાર છે
અમદાવાદઃ ગુજરાતમાં વરૂની સંખ્યા ઘટતી જાય છે. રાજ્યમાં હાલ 200 જેટલાં વરૂઓ બચ્યા છે. જેમાં અંદાજે 70 જેટલા વરૂ ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત સુવિખ્યાત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ઈકો ઝોનમાં વસવાટ કરી રહ્યા છે. એટલે કે વરૂની કુલ વસતી પૈકી 33 ટકાથી વધારે વરૂઓ વેળાવદરમાં વિચરણ કરી રહ્યા છે.
રાજ્યના વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ તા. 13મી ઓગસ્ટનો દિન ‘વુલ્ફ ડે’ તરીકે ઊજવવામાં આવ્યો હતો. વરૂની વિશેષતાઓ પર એક દ્રષ્ટિપાત કરીએ તો સિંહનો સમૂહ ‘પ્રાઈડ’ કહેવાય છે. મૃગનું ટોળુ ‘હેરમ’ તરીકે ઓળખાય છે તેમ વરૂનો સમૂહને ‘પેક’ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વરૂના એક પેકમાં કુલ સાત જેટલી સંખ્યા જોવા મળતી હોય છે. જેમાં નર, માદા અને બચ્ચાનો સમાવેશ થાય છે. પરંતુ વેળાવદર અભ્યારણ્યમાં આ સંખ્યા 9 સુધી જોવા મળી રહી છે. વરૂ એક દિવસમાં 40 કિ.મી. જેવું અંતર કાપી શકતું હોવાનું નોંધાયું છે.
ભાવનગરના વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના ઈકો ઝોનમાં કાળિયાર મૃગ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓનો વિહાર છે. કાળિયાર મૃગ અને નીલગાયના બચ્ચા એ વરૂનો મુખ્ય આહાર છે. આથી ભાલ પંથકમાં વરૂની ઉપસ્થિતિ કાળિયાર મૃગ અને નીલગાયના વસતી નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. વન વિભાગ દ્વારા પણ વરૂઓની સંભાળ માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
#Velavadar #WolfConservation #IndianWolves #Wildlife #Nature #ForestReserve #VelavadarNationalPark #WolfPack #WildlifeProtection #Biodiversity #GujaratWildlife #WolfHabitat #AnimalBehavior #ConservationEfforts #WildlifeManagement