પાલનપુરઃ જિલ્લાના નડાબેટ વિસ્તારમાં ભારત પાકિસ્તાન સરહદ પર BSFના જવાનો રાત-દિવસ ચેકી પહેરો કરી રહ્યા છે. પોતાના વતન અને ઘરથી દૂર BSFના જવાનોને રક્ષાબંધન પર્વે પોતાના પરિવાર કે બહેનની કોઈ કમી ના લાગે તે માટે ભાવનગરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ કોલેજ તાલીમાર્થીઓ અને ભાવનગરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શામપરાની બાલિકાઓએ સ્વખર્ચે અને જાતે તૈયાર કરેલી 1111 રાખડીઓ નડાબેટ (ભારત-પાકિસ્તાન) બોડર પર પહોંચી BSFના જવાનોને કાંડે રક્ષા કવચ બાંધીને આ જવાનોની રક્ષા માટેની મંગલ કામના કરી હતી.
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે. ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રણ લે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામ સાથે મનાવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે.
સમગ્ર દેશમાં રક્ષાબંધન પર્વની ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તેમાં આપણા દેશની સેવાકાજે રોકાયેલાં જવાનો બાકાત રહી ન જાય તે માટે ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ કોલેજના તાલીમાર્થીઓ અને ભાવનગરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શામપરાની બાલિકા દ્વારા સ્વ ખર્ચે અને જાતે તૈયાર કરેલી 1111 રાખડીઓ નડાબેટ (ભારત-પાકિસ્તાન) બોર્ડર પર પહોંચી સ્થાનિક શાળાની નાની નાની 62 દીકરીઓ એ આપણા વીર જવાનોને હાથે રક્ષાસૂત્ર બાંધી તેના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલ કામના કરી હતી.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના આચાર્યના જણાવ્યા મુબજ આ દીકરીઓ જાતે ઘરેથી બનાવેલી સુખડી આ વીર જવાનો માટે લઈ ગઈ હતી.અને તેમનું મોં મીઠું કરાવ્યું હતું, ત્યારે એક સુંદર ભાવનાત્મક વાતાવરણનું સર્જન થયું હતું, એટલું જ નહિ પોતાના વતનથી દૂર રહેતા આપણા વીર સૈનિકોને હાથ પર જ્યારે આ નાની નાનીબહેનોએ રાખડી બાંધી ત્યારે વીર સપૂતો રડી પાડ્યા હતા અને આખું વાતાવરણ ભાવ વિભોર થયું હતું.