- શ્રદ્ધાળુઓ ઓટો રિક્ષામાં જઈ રહ્યાં હતા ત્યારે સર્જયો અકસ્માત
- ઉત્તરપ્રદેશથી શ્રદ્ધાળુઓ બાગેશ્વર ધામ જઈ રહ્યાં હતા
- રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી રિક્ષા
- અકસ્માત બાદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી
છતરપુર: ઉત્તર પ્રદેશથી બાગેશ્વર ધામના દર્શન કરવા આવેલા સાત લોકો આજે વહેલી સવારે મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે લગભગ છ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક અગમ જૈને જણાવ્યું કે, આ ભયાનક અકસ્માતમાં એક ઓટો ઝાંસી-ખજુરાહો હાઈવે પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા, જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. ત્રણ લોકોને સારવાર માટે ગ્વાલિયર રિફર કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ઓટોમાં મુસાફરી કરી રહેલા લોકો ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ અને લખનૌના હોવાનું કહેવાય છે, જેઓ અહીં ટ્રેન દ્વારા આવ્યા હતા અને ત્યારબાદ બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા.
આ ઓટો રેલ્વે સ્ટેશનથી ભક્તો સાથે બાગેશ્વર ધામ જઈ રહી હતી, ત્યારે નેશનલ હાઈવે પર સાઈડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઓટોમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. ઓટોના ડ્રાઈવરનું પણ મોત થયું હતું.