- 47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા ચૂંટણીઓ યોજાશે,
- ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાથે જ ચૂંટણી યોજાશે,
- ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી ડિસેમ્બર-2024માં યોજવામાં આવે તેવી શક્યતા છે. ઓબીસી અનામત મુદ્દે પંચનો રિપોર્ટ મળી જતાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ યોજાશે. જેમાં 47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયતો, 80 નગરપાલિકાઓ, અને ખેડા અને બનાસકાંઠા પંચાયતની ચૂંટણીઓ એક સાથે યોજાશે. આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતની ટકાવારી 10 ટકાથી વધારવી કે નહિ તે બાબતે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયધીશ કે. એસ. ઝવેરીના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે પંચની રચના કરાઈ હતી. પંચ દ્વારા 27 ટકાની ભલામણ કરાતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાશે. આ માટેનું જાહેરનામું આગામી 15 દિવસમાં જાહેર થવાની શક્યતા છે.
ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ડિસેમ્બર 2024માં યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યની 4765 ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયતો, 80 નગરપાલિકાઓ અને ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની બાકી છે. અત્યારે આ સંસ્થાઓ વહીવટદારો ચલાવે છે. આવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકાને બદલે વસતી પ્રમાણે અનામત આપવાની માગ કરાઈ હતી, જેથી રાજ્ય સરકારે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષ સ્થાને સમર્પિત આયોગની રચના ઓબીસી અનામત નક્કી કરવા માટે કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બે વર્ષથી 4765 ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી છે તે ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને ખેડા-બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અ્નામત, 7 ટકા એસસી, 14 ટકા ઓબીસી અને 52 ટકા જનરલ બેઠકો પર અનામત નિશ્વિત કરતું જાહેરનામું જાહેર થશે.