1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વર્ષે 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન
ગુજરાતમાં વર્ષે  39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન

ગુજરાતમાં વર્ષે 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન

0
Social Share
  • લીમડો લાવ્યો હજારો મહિલાઓની જીવનમાં મીઠાશ,
  • લીંબોળી એકત્રિત કરીને વાર્ષિક₹60,000 સુધીની કમાણી,
  • દેશના નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 14 ટકા,

ગાંધીનગરઃ ઔદ્યોગિક કે બિન-કૃષિ પ્રવૃત્તિઓમાં યુરિયાનો ઉપયોગ અટકાવવા અને ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2015ના રોજ યુરિયાને ફરજિયાત નીમ કોટેડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. એ પહેલાં સ્થિતિ એવી હતી કે, યુરિયાના ઔદ્યોગિક ઉપયોગને લીધે ખેડૂતોને સીઝન દરમ્યાન યુરિયા ખાતર માટે ભારે સંઘર્ષ કરવો પડતો હતો. તો યુરિયાની કાળાબજારી પણ એક મોટી સમસ્યા બની ગઈ હતી. યુરિયા પર નીમ કોટિંગ ફરજિયાત કરવાના વડાપ્રધાનના નિર્ણયથી ખેડૂતોને આજે મોટી રાહત મળી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પણ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદન અને વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો છે. નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 14% છે.

ગુજરાત નીમ કોટેડ યુરિયાના ઉત્પાદન બાબતે દેશનું એક અગ્રણી રાજ્ય છે. ભારતના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 14% છે, જ્યારે વપરાશની દ્રષ્ટિએ ગુજરાતનો હિસ્સો 9% છે. રાજ્યમાં નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન ગુજરાત નર્મદા વૅલી ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કૅમિકલ્સ લિમિટેડ (GNFC) ભરૂચ ખાતેના પ્લાન્ટમાં થાય છે. આ ઉપરાંત, GSFC, IFFCO અને KRIBHCO પણ નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન કરે છે.

ગુજરાતમાં વર્ષ 2021-22માં 37,76,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું હતું, જેની સરખામણીમાં 2022-23માં 38,92,000 મેટ્રિક ટન અને 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું હતું. નીમ કોટેડ યુરિયાના ફાયદાઓને જોતાં તેની માંગ સતત વધી રહી છે. પહેલાં લીમડાના બીજ એટલે કે લીંબોળીઓ બિનઉપયોગી જ રહી જતી હતી. કોઈએ વિચાર્યું જ નહોતું કે જમીન પર નકામી પડેલી આ લીંબોળીઓ હજારો મહિલાઓના જીવનમાં મીઠાશ લાવશે. GNFCએ યુરિયાને નીમ કોટેડ કરવા માટે જરૂરી લીમડાના બીજ એટલે કે લીંબોળીના એકત્રીકરણ માટે એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. તેના અંતર્ગત સખી મંડળો અને સહકારી મંડળીઓના માધ્યમથી ગ્રામીણ મહિલાઓ અને ઘરવિહોણા શ્રમિકો લીંબોળી એકત્રિત કરે છે. આ કાર્ય માટે રાજ્યમાં ગ્રામીણ સ્તરે 4000 ખરીદ કેન્દ્રો (વિલેજ લેવલ કલેક્શન સેન્ટર- VLCC) ની સ્થાપના કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં 15,000 મૅટ્રિક ટન લીંબોળી એકત્રિત કરવામાં આવતી હતી, આજે આ આંકડો વધીને લગભગ 50,000 મૅટ્રિક ટન સુધી પહોંચી ગયો છે. દર વર્ષે સીઝનના ત્રણ મહિના દરમ્યાન દરેક મહિલા લગભગ ₹60,000ની કમાણી કરી લે છે. આ રીતે લીંબોળી એકત્રીકરણ દ્વારા આત્મનિર્ભર બની રહેલી મહિલાઓના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે.

સામાજિક અને આર્થિક રીતે પછાત મહિલાઓને આ પ્રોજેક્ટથી ઘણો ફાયદો થયો છે. લીંબોળી એકત્રીકરણના કામથી માત્ર તેમની આવકમાં જ વધારો નથી થયો, પરંતુ સ્થળાંતર અને મિલકત ગીરવે રાખવા જેવી તેમની સમસ્યાઓમાં પણ ઘટાડો થયો છે.

વડાપ્રધાનના વિઝનને સાકાર કરીને GNFCએ સફળતાનો નવો અધ્યાય લખ્યો છે. યુરિયાને નીમ કોટેડ કરવાથી કંપનીએ પહેલા વર્ષે ₹20.68 કરોડની વધારાની આવક મેળવી હતી. તો પાછલા ત્રણ વર્ષમાં આ આવકમાં સરેરાશ ₹19.40 કરોડ પ્રતિ વર્ષનો વધારો નોંધાયો છે. લીંબોળીમાંથી મોટી માત્રામાં તેલ નીકળે છે એટલે તેની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને GNFCએ બજારમાં નીમ સાબુ, નીમ હૅન્ડ વૉશ, નીમ હૅર ઓઈલ અને નીમ જંતુનાશક જેવા ઉત્પાદનોની નવી શ્રેણી રજૂ કરી છે. લીમડાના ઔષધીય ગુણો ધરાવતા સૌંદર્ય પ્રસાધનો અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ આજે શહેરી ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

#NeemEconomy #WomenEmpowerment #SustainableFarming #NeemCoatedUrea #VillageEntrepreneurs #RuralDevelopment #SelfSufficientWomen #IndianAgriculture #GreenEconomy #InnovativeFarming #EnvironmentalSustainability #NeemProducts #AgriculturalInnovation #WomenInAgriculture #IncomeGeneration #NeemInitiative #SocialImpact #LivelihoodOpportunities #EcoFriendlySolutions #NeemBenefits

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code