સરકારની સુચનાથી જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્કૂલોને કરી જાણ,
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે,
ગાંધીનગર: ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં 32 તાલુકામાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ લખાય છે. ત્યારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટ, મંગળવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક સિવાયની સ્કૂલો એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રજા રાખવી કે નહીં તેનો નિર્ણય જિલ્લા શિક્ષણ અધિકારીએ લેવાનો રહેશે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરનું સંકટ ઉભુ થયું છે. આખેઆખા જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે. હજી પણ આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય પ્રદેશમાં નિર્માણ પામેલા ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. 26, 27 અને 28 મી ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે. સરકાની સુચનાથી જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા કાલે મંગળવારે પ્રાથમિક શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આવતીકાલે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ સ્કૂલો આવતીકાલે બંધ રહેશે. અમદાવાદ શહેર અને જિલ્લાના DEO દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા શાળાઓને કાલે રજા રાખવાની સુચના આપી દીધી છે.