રાજકોટમાં આજે બપોર સુધીમાં વધુ 7 ઈંચ વરસાદ પડ્યો, મેઘાના રૌદ્ર સ્વરુપે લોકોને ધ્રુજાવ્યા
- આજી ડેમ ઓવરફ્લો થયો,
- રાજકોટના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી,
- બે અન્ડરબ્રિજ બંધ કરાયા
રાજકોટઃ રાજકોટમાં સતત ત્રણ દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે.શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે મંગળવારના બપોર સુધી અનરાધાર વરસી જતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. શહેરનો આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો છે. રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી આજે મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં આજે મંગળવારે બપોરના બે વાગ્યા સુધીમાં વધુ 7 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. શહેરમાં પાણી ભરાતા બે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં ભારે વરસાદને લીધે રોડ પર પાણી ભરાતાં પોલીસ તંત્ર દ્વારા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. શહેરના કેકેવીથી બિગ બજાર, મહિલા અંડરબ્રિજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી રૂડા ઓફિસ, અયોધ્યા ચોકથી માધાપર અને પાટીદાર ચોક, કણકોટ રોડથી ન નીકળવા માટે શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે આજી ડેમ ઓવરફલો થતા આજી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદી કાંઠાના વિસ્તારોમાંથી 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ચુનારાવાડ ચોક નજીક બેઠા પુલ ઉપર કમર સમા પાણી ભરાયા છે.
રાજકોટમાં આજે બપોર સુધીમાં સાડા સાત ઈંચ, કોટડા સાંગણીમાં 7 ઈંચ, લોધિકામાં 6 ઈંચથી વધુ, ખંભાળિયામાં 6 ઈંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઈંચ, ભાણવડમાં 5 ઈંચ, ગોંડલમાં 5 ઈંચ, તથા લાલપુર, ચોટિલા, જામનગર, ધોરાજીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
#RajkotRains #AjiDamOverflow #HeavyRainfall #FloodedStreets #RajkotWeather #UnderbridgeClosed #RescueOperations #Monsoon2024 #FloodAlert #AjiRiverOverflow #TrafficDiversions #RajkotUpdates #RainyDays #Waterlogging #GujaratRain