પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાત
- રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેન મુલાકાત વિશે વાત કરી
- સંઘર્ષના નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
નવી દિલ્હીઃ યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન પીએમએ પુતિનને તેમની યુક્રેન મુલાકાત વિશે પણ માહિતી આપી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી છે. રશિયા-યુક્રેન સંઘર્ષ અને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે વાત કરી છે. તેઓએ સંઘર્ષના વહેલા, સ્થાયી અને શાંતિપૂર્ણ નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર આ વાતચીત વિશે જણાવ્યું હતું. પીએમએ કહ્યું હતું કે તેમની અને બિડેન વચ્ચે ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચા સૌથી મહત્વની હતી. આ પછી વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે પણ વાત કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી અને વડાપ્રધાન અલ્બાનીસે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અને બહુરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સહયોગ વિશે વાત કરી.