શિક્ષક માત્ર બાળકોનું જ નહીં, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે : રાજ્યપાલ
- નાગપુરમાં એકલવ્ય એકલ વિદ્યાલયના શિક્ષક-પર્યવેક્ષક તાલીમ વર્ગનું સમાપન,
- કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને યોજાયો સમારોહ,
- શિક્ષકો અને પર્યવેક્ષકોનું સન્માન કરાયું
ગાંધીનગરઃ આદિવાસી વિસ્તારોમાં રહીને કામ કરતા એકલવ્ય એકલ વિદ્યાલયના શિક્ષકો માત્ર બાળકોનું નિર્માણ જ નહીં, પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, આવી ગૌરવપૂર્ણ લાગણીઓ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વ્યક્ત કરી હતી. કોઈ પણ પારિશ્રમિકની અપેક્ષા રાખ્યા વિના ત્યાગ, તપસ્યા અને મહેનતથી માનવ નિર્માણ કરનાર શિક્ષક અને પર્યવેક્ષક ક્યારેય નિરાશ ન થાય, ન હીનભાવના પાળે, એમ કહીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે અભાવની સ્થિતિમાં પણ દુનિયામાં મોટા પરિવર્તન થયા છે, ઈતિહાસ સાક્ષી છે.
નાગપુરમાં કૈ. લક્ષ્મણરાવ માનકર સ્મૃતિ સંસ્થા, વિદર્ભ અંતર્ગત આવતા એકલવ્ય એકલ વિદ્યાલયના ચાર દિવસીય શિક્ષક-પર્યવેક્ષક તાલીમ વર્ગનું સમાપન રેશીમબાગના મહર્ષિ વ્યાસ સભાગૃહમાં થયું. કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રિય મંત્રી અને સંસ્થાના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક નિતિન ગડકરીએ કરી, જ્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અંજનગાંવ સુરજી દેવનાથ પીઠના પીઠાધીશ્વર શ્રદ્ધેય જીતેન્દ્રનાથ મહારાજ, દિલ્હીની FICCIની ચેરપર્સન ડૉ. પાયલ કનોડિયા, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સત્યનારાયણજી નુવાલ, કૈ. લક્ષ્મણરાવ માનકર સ્મૃતિ સંસ્થાના અધ્યક્ષ અરૂણ લખાની, સચિવ રાજીવ હડપ, અતુલ મોહરીર, ડૉ. ઉપેન્દ્ર કોઠેકર, સુધિર દિવે, એડ. વસંત ચુટે, ડૉ. મુરલીધર ચાંદેકર, ધનંજય બાપટ ખાસ ઉપસ્થિત રહ્યા. લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટની વેબસાઈટનું લોન્ચિંગ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નોંધપાત્ર કાર્ય કરનાર શિક્ષકો અને પર્યવેક્ષકોનું આ અવસરે સન્માન કરવામાં આવ્યું હતું.
જિતેન્દ્રનાથ મહારાજે કહ્યું કે વનવાસી, આદિવાસી વિસ્તારમાં કાર્યરત શિક્ષક-પર્યવેક્ષક એકલ વિદ્યાલયના માધ્યમથી દેશભક્તો તૈયાર કરી રહ્યા છે. તેઓ ભારતની સક્ષમ સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલીનું સંરક્ષણ કરી રહ્યા છે અને તેઓ ભારત માતાની અખંડતાના પ્રતિક છે. ટ્રસ્ટ આવા ઋષિતુલ્ય ભારત માતાના સુપુત્રોનું નિર્માણ કરવાનું કાર્ય કરી રહ્યું છે.
એકલ વિદ્યાલયના કાર્યોમાં જો ડાયેલા ડૉ. પાયલ કનોડિયાએ કહ્યું કે, “જ્યાં ગામ, ત્યાં શાળા” આ કથન અનુસાર એકલ કાર્ય કરી રહ્યું છે, આદિવાસી વિસ્તારોમાં તેમનું કાર્ય શ્રેષ્ઠ છે. શિક્ષક અને પર્યવેક્ષકોએ આ સમાજમાં સંસ્કાર સિંચન કરીને, તાલીમ દ્વારા તેમની ગુણવત્તા વધારવાનો નોંધપાત્ર કાર્ય કર્યો છે. તેમના દ્વારા પ્રજ્જવલિત આ જ્ઞાનના દીપથી જ આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે આગળ વધતો રહેશે અને દેશને વિશ્વગુરુ પદ સુધી પહોંચાડશે. ગઢચિરોલી, ગોંદિયા જીલ્લાના આદિવાસી યુવક-યુવતીઓએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતુ.