પશ્ચિમ બંગાળમાં બંધના પગલે જનજીવન ખોરવાયું, અનેક સ્થળે ઘર્ષણ
- ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ
- પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી
કોલકાતા: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્ય સચિવાલય તરફ કૂચ દરમિયાન દેખાવકારો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં 12 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. બંધ દરમિયાન આજે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી રાજ્યમાં અનેક સ્થળોએ રેલ અને માર્ગ અવરોધને કારણે જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ હતી, જેના કારણે લોકોને અસુવિધા થઈ હતી. પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી હતી.
રાજધાની કોલકાતામાં રસ્તાઓ પર બંધની સામાન્ય અસર જોવા મળી હતી. બહુ ઓછી બસો, ઓટો રિક્ષા અને ટેક્સીઓ રસ્તા પર જોવા મળી હતી. મોટાભાગની ખાનગી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી ઘણી ઓછી છે કારણ કે તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. સરકારી કચેરીઓમાં હાજરી પહેલાની જેમ સામાન્ય છે.
ભાજપના કાર્યકરોએ સિયાલદહ, શ્યામબજાર, બારાબજાર અને વિપ્રો મોડ સહિત શહેરમાં અનેક સ્થળોએ વિરોધ કર્યો હતો અને પોલીસે ટ્રાફિકની અવરજવરને મંજૂરી આપવા માટે તેમને રસ્તાઓ પરથી હટાવવાની તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પૂર્વ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંધના સમર્થકોએ રાજ્યમાં તેના અધિકારક્ષેત્ર હેઠળના 49 સ્થળોએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધા હતા.
તેમણે કહ્યું કે, મોટા ભાગના સ્થળોએ બ્લોકેજ દૂર કરવામાં આવી હતી પરંતુ નવ સ્ટેશનો પર બ્લોકેજ ચાલુ છે, જેમાંથી મોટા ભાગના સિયાલદહ દક્ષિણ વિભાગ પર છે. બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું.
ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી પ્રવર્તી રહી હતી. ઉત્તર પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર, સિલીગુડી અને માલદામાં અને રાજ્યના દક્ષિણ ભાગમાં પુરુલિયા, બાંકુરા અને કેટલાક અન્ય સ્થળોએ રસ્તાઓ પર ભાજપના સમર્થકોના વિરોધને કારણે જાહેર પરિવહન સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી.
વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ તેમના ગૃહ જિલ્લા પૂર્વા મેદિનીપુરના નંદીગ્રામમાં વિરોધ માર્ચનું નેતૃત્વ કર્યું હતું. માલદામાં રોડ બ્લોક કરવાને લઈને તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું. અલીપુરદ્વારમાં મુખ્ય માર્ગને બ્લોક કરવાનો પ્રયાસ કરતી વખતે ભાજપના કાર્યકરો પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા હતા.
ભાજપના કાર્યકરોએ ‘દફા એક દબી એક, મુખ્ય પ્રધાન પદત્યાગ’ (એક માંગણી, મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ) જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘નબન્ના અભિયાન’માં ભાગ લઈ રહેલા લોકો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે ‘બંગાળ બંધ’નું આહ્વાન કર્યું છે જે મંગળવારે સવારે 6 વાગ્યે શરૂ થયું હતું.
#WestBengalBandh #BengalProtests #BengalClashes #BandhImpact #WestBengalUnrest #BengalStrike #BengalNews #BengalBandh2024 #StrikeInBengal #ProtestsInBengal