ગાંધીનગરમાં સંત સરોવરના ત્રણ દરવાજા ખોલાયા, સાબરમતી નદીમાં 1097 ક્યુસેક પાણી છોડાયું
- સંત સરોવરમાં પ્રતિ કલાક 2095 ક્યુસેક પાણીની આવક,
- ધોળશ્વર, રાંદેસણ, રાયસણ, ભાટ, કોટેશ્વર સહિતના ગામોને પણ એલર્ટ કરાયા,
- સંત સરોવરમાં જળસપાટી 55.40 મીટરે પહોંચી
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં સારોએવો વરસાદ પડ્યો છે. અને સાબરમતી નદીના ઉપવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પણ નવા નીર આવ્યા છે. ગાંધીનગરના સંત સરોવર વિયરમાં જળસપાટીમાં વધારો થતાં ડેમના ત્રણ દરવાજા ખોલીને 1097 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે.
સાબરમતી નદીના ઉપરવાસમાં સારા વરસાદને કારણે નદી બેકાંઠા વહેતા સંત સરોવર વીયર છલોછલ ભરાવવાની તૈયારીમાં છે. ત્યારે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ફરી ગાંધીનગર માંથી પસાર થતી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીનું પાણી સંત સરોવરમાં જમા થઇ રહ્યું છે. શનિ અને રવિવારના રોજ સંત સરોવરમાં પાણીનો જથ્થો હાઇ એલર્ટ એટલે કે 90 ટકાથી પણ વધી ગયો હતો. સંત સરોવરની ક્ષમતા 55.20 મીટર છે. સતત ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સંત સરોવરમાં પણ પ્રતિ કલાક 2095 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે વીયરમાં 55.40 મીટરથી વધુ પાણીની આવક થતાં સોમવારે સવારથી સંત સરોવરના ત્રણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્રણ દરવાજા ખોલીને પ્રતિ કલાક 1097 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નદી કાંઠાના પાલજ, બાસણ, બોરીજ ઉપરાંત ધોળશ્વર, રાંદેસણ, રાયસણ, ભાટ, કોટેશ્વર સહિતના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધરોઇ ડેમમાં જળસપાટી વધતા ડેમમાંથી પાણી લાકરોડા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે અને ત્યાંથી પાણી સંત સરોવરમાં ઠલવાય છે.સંત સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી હોવાથી ત્રણ દરવાજા ખોલી ધોળેશ્વર તરફ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમ જેમ પાણીની આવક વધશે તેમ તેમ વધુ દરવાજા ખોલીને પાણીને છોડવામાં આવશે.
SabarmatiRiver #SantSarovar #WaterInflow #FloodAlert #GandhinagarWeather #HeavyRainfall #DamRelease #RiverOverflow #SabarmatiFlooding #VillageAlert #WaterManagement #SabarmatiDam #FloodPreparedness #MonsoonRains #HydrologyUpdate #WaterDischarge #FloodWarning #SabarmatiUpdates #RainImpact #WaterLevel