- માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું,
- હવામાન વિભાગની ચેતવણીને પણ માછીમારો ગણકારતા નથી,
- દરિયામાં ડૂબેલા 4 માછીમારોની શોધખોળ
જૂનાગઢઃ સોરઠ પંથકમાં પણ ભારે વરસાદ પડતા નદી-ડેમો છલકાયાં છે. ગિરનાર અને વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ભેસાણ પંથકમાં છ ઇંચ તેમજ માળીયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઈંચ વરસાદ થયો હતો. ઓઝત, ઉબેણ, સોનરખ, કાળવા નદીમાં ફરી પૂર આવતા લોકોમાં ખુશી છવાઇ હતી. દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સ્પષ્ટ સુચના છતાંયે માછીમારો જામની પરવા કર્યા વિના દરિયો ખેડી રહ્યા છે. માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે તોફાની બનેલા દરિયામાં એક માછીમારી બોટ પલટી ખાંતા બોટમાં સવાર 8 માછીમારોમાંથી ત્રણને બચાલી લેવામાં આવ્યા છે. જ્યારે ચાર માછીમારોનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. એક માછીમારનું મોત નિપજ્યું હતું.
સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરન્ટને લીધે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વરસાદ સ્થિતીને પહોંચી વળવા માટે કેશાદમાં એન.ડી.આર.એફ. અને જૂનાગઢમાં એક એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે. ત્યારે દરિયામાંથી એક બોટ દરિયામાં પલટી ગયાની ઘટના બની છે. દરિયો ખેડવા ગયેલા માછીમારો બોટમાં ફરી રહ્યા હતા. ત્યારે દરિયો તોફાનો બન્યો હતો. આ દરમિયાન બોટનું એન્જિન બંધ થઇ જતાં ભર દરિયે બોટ એકાએક બંધ થઇ ગઇ હતી અને પલટી ખાઇ ગઇ હતી. બોટમાં 8 માછીમારો સવાર હતા, જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અને એક માછીમારનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં ડે.કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. એનડીઆરએફ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.