- ધમકીને પગલે ફ્લાઈટ નાગપુર ડાયવર્ટ કરાઈ
- સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટમાં કરાઈ તપાસ
નવી દિલ્હીઃ જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7308માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી તેને નાગપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટ નાગપુરમાં દૂરસ્થ સ્થાન પર પાર્ક કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ પછી, તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને તરત જ સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી હતી. મુસાફરોને જરૂરી સુવિધાઓ અને ખાદ્યપદાર્થો આપવામાં આવ્યા હતા હાલમાં આ ઘટના અંગે સુરક્ષા એજન્સીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ પહેલા 22 ઓગસ્ટે મુંબઈથી આવી રહેલા એર ઈન્ડિયાના પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ખતરાને પગલે તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વિમાનની સંપૂર્ણ સુરક્ષા તપાસ બાદ જ કટોકટી હટાવી લેવામાં આવી હતી. પ્લેનના ટોયલેટમાં એક ટિશ્યુ પેપર પર ‘ફ્લાઇટમાં બોમ્બ છે’ એવો મેસેજ લખાયેલો જોવા મળ્યો હતો.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટે મુંબઈથી તિરુવનંતપુરમ જતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI657માં વિશેષ સુરક્ષા ચેતવણી મળી હતી. પ્લેન તિરુવનંતપુરમમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું અને સુરક્ષા એજન્સીઓએ ફરજિયાત તપાસ શરૂ કરી. તે દૂરના સ્થળે પાર્ક કરવામાં આવ્યું હતું. તપાસ બાદ પ્લેનમાં કંઈ મળ્યું ન હતું. બોમ્બની ધમકી માત્ર અફવા સાબિત થઈ.